News of Monday, 31st August 2026
દેશના સૌથી મોંઘા વિસ્તાર લ્યુટિયન્સ ઝોનમાં મુકેશ અંબાણીનો ધમાકા સોદો: ₹૩૫૦ કરોડમાં ખરીદ્યો આલીશાન બંગલો; બનશે રિલિયન્સનું હાઈટેક ગેસ્ટ હાઉસ!
‘ભારતના પહેલા મોબાઈલ કિંગ’ બીકે મોદી પાસેથી ખરીદાઈ ઐતિહાસિક પ્રોપર્ટી: અંબાણી પરિવારનું ઘર નહીં પરંતુ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ માટે વપરાશે આ રોયલ આશરો

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીના સૌથી હાઈ-પ્રોફાઈલ, વીઆઈપી અને અતિ લક્ઝુરિયસ ગણાતા લ્યુટિયન્સ ઝોનમાં એક એવી મહાકાય રિયલ એસ્ટેટ ડીલ થઈ છે જેણે સમગ્ર ભારતીય કોર્પોરેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલિયન્સ ઈન્ડસ્ટ્રીઝે લ્યુટિયન્સ દિલ્હીના પ્રખ્યાત પૃથ્વીરાજ રોડ પર સ્થિત એક અત્યંત આલીશાન અને ઐતિહાસિક બંગલો ₹૩૫૦ કરોડ (અંદાજે ૩૬.૭ મિલિયન ડોલર)ની મસમોટી કિંમતમાં ખરીદી લીધો છે.
'મોબાઈલ કિંગ' બીકે મોદી પાસેથી ખરીદાઈ માલિકી
આ હાઈ-વોલ્ટેજ સોદો સિંગાપોર સ્થિત ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિ ભૂપેન્દ્ર કુમાર મોદી (બીકે મોદી અથવા ડૉ. એમ) પાસેથી કરવામાં આવ્યો છે. ૯૦ના દાયકામાં ભારતમાં ટેલિકોમ ક્રાંતિના મંડાણ કરનારા બીકે મોદીને 'ભારતના પહેલા મોબાઈલ કિંગ' તરીકે ઓળખવામાં આવે છે. તેમની કંપની 'મોદી ટેલ્સ્ટ્રા'એ જ વર્ષ ૧૯૯૫માં ભારતમાં સર્વપ્રથમ સેલ્યુલર મોબાઈલ સેવા શરૂ કરી હતી. ઝેરોક્સ, અલ્કાટેલ અને ટેલસ્ટ્રા જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે બિઝનેસ કરનારા બીકે મોદીના આ ઐતિહાસિક બંગલાની માલિકી હવે રિલિયન્સના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે.
એન્ટિલિયા પછી બીજું ઘર નથી, પણ બનશે રોયલ 'ગેસ્ટ હાઉસ'
સોશિયલ મીડિયામાં એવી અફવાઓ વહેતી થઈ હતી કે અંબાણી પરિવાર મુંબઈના વિશ્વપ્રસિદ્ધ 'એન્ટિલિયા' બાદ હવે દિલ્હીમાં પોતાનું બીજું આલીશાન નિવાસસ્થાન બનાવી રહ્યો છે. જોકે, રિલિયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી આ તમામ અફવાઓનો અંત આણતા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બંગલો અંબાણી પરિવારના અંગત રહેઠાણ માટે વપરાશે નહીં. દિલ્હીમાં કામકાજ અર્થે આવતા-જતા રિલિયન્સના વરિષ્ઠ અધિકારીઓ અને એક્ઝિક્યુટિવ્સ માટે આ મિલકતનો ઉપયોગ એક અત્યાધુનિક 'વિશેષ ગેસ્ટ હાઉસ' તરીકે કરવામાં આવશે.
પાવર અને સ્ટેટસ સિમ્બોલ છે લ્યુટિયન્સ ઝોન
દિલ્હીનો લ્યુટિયન્સ ઝોન એવો વિસ્તાર છે જ્યાં દેશના કેન્દ્રીય મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના જજ, ટોચના અધિકારીઓ અને ભારતના ગણ્યા-ગાંઠ્યા અબજોપતિઓના જ રહેઠાણ આવેલા છે. અહીં પ્રોપર્ટી ખરીદવી એ માત્ર લક્ઝરી નહીં પરંતુ પાવર અને સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. જુલાઈમાં આખરી ઓપ અપાયેલી આ ડીલમાં અનંત અંબાણી સંબંધિત ફેમિલી ઓફિસે મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતના પ્રીમિયમ રિયલ એસ્ટેટ માર્કેટમાં આ સોદાએ નવો ઈતિહાસ રચી દીધો છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
