<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

દિલ્હીમાં સગીરો પર બળાત્કારના કિસ્સાઓથી ભારે રાજકીય સંગ્રામ: "તમારી પોલીસ શું કરી રહી હતી?" – આતિશીના ભાજપ સરકાર પર આકરા પ્રહારો, રાજધાનીને 'બળાત્કારનું પાટનગર' ગણાવ્યું!

બવાનામાં ૩ વર્ષની બાળકી અને કાશ્મીરી ગેટ પાસે ૧૬ વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટનાઓથી દિલ્હી ધ્રૂજી ઉઠ્યું: AAP નેતાઓએ નિર્ભયા કેસની યાદ અપાવી, સામે ભાજપે સંવેદનશીલ મુદ્દે રાજકારણ ન રમવા સંભળાવ્યું

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં માસૂમ સગીર બાળકીઓ સાથે જાતીય શોષણ અને સામૂહિક બળાત્કારની બે કાળજું કંપાવી દે તેવી ઘટનાઓ સામે આવ્યા બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ મામલે આમ આદમી પાર્ટી (AAP) એ કેન્દ્ર અને દિલ્હીની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીને ફરી એકવાર 'બળાત્કાર રાજધાની' તરીકે ઓળખાવી સરકારની નિષ્ફળતા સામે મોરચો માંડ્યો છે.

 

બવાના અને કાશ્મીરી ગેટમાં બસની અંદર ભયાનક ઘટનાઓ

દિલ્હીને શર્મસાર કરતી પ્રથમ ઘટના બવાના વિસ્તારમાં બની, જ્યાં એક સ્કૂલ બસના ડ્રાઇવરે જ માત્ર ૩ વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી. જ્યારે બીજી ભયાનક ઘટના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સામે આવી, જ્યાં ઊભેલી એક સ્લીપર બસની અંદર ૧૬ વર્ષની સગીરા પર ડ્રાઇવર અને કંડક્ટરે મળીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બંને બનાવોમાં આરોપીઓની ધરપકડ કરી બસ ફોરેન્સિક તપાસ માટે જપ્ત કરી છે.

 

"ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો"

આતિશીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "દિલ્હીમાં નાની માસૂમ છોકરીઓ પર બળાત્કાર અને સામૂહિક બળાત્કાર થઈ રહ્યા છે. આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં ભાજપ સરકાર આ અમાનવીય કૃત્યો અટકાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. આખરે તમારી પોલીસ શું કરી રહી હતી?" તેમણે આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય રાજધાનીમાં અપરાધીઓમાંથી પોલીસનો ખોફ સાવ ખતમ થઈ ગયો છે અને મહિલાઓની સુરક્ષા રામ ભરોસે છે.

 

નિર્ભયા કાંડની યાદ અપાવી, ભાજપનો પલટવાર

સમાજવાદી પાર્ટી અને AAP ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ ઘટનાની તુલના દર્દનાક 'નિર્ભયા કાંડ' સાથે કરી હતી, જ્યારે સૌરભ ભારદ્વાજે પણ જનકપુરી શાળાની ઘટનાનો હવાલો આપી સરકારને ઘેરી હતી. બીજી તરફ, ભાજપના પ્રવક્તા અને ધારાસભ્ય હરીશ ખુરાનાએ પલટવાર કરતા જણાવ્યું કે, સરકાર મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. પોલીસે તાત્કાલિક કડક પગલાં લીધાં છે અને આવા ગંભીર તથા દુઃખદ મુદ્દાઓ પર વિપક્ષે નગ્ન રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ.

(7:23 PM IST)