News of Monday, 31st August 2026
જંગલી પ્રાણીઓના હુમલા કેસમાં કેરળ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ₹૨૦,૦૦૦ ની સરકારી મર્યાદા 'બેઝિક ફ્લોર' છે, નુકસાન સામે ‘સીલિંગ લિમિટ’ નહીં; પીડિતોને પૂરતું વળતર આપવું રાજ્યની જવાબદારી!
માનવ-વન્યજીવ સંઘર્ષમાં બંધારણના અનુચ્છેદ ૨૧ (જીવનનો અધિકાર) નો મોટો આધાર: જંગલી પ્રાણીઓના માલિક અને રક્ષક તરીકે સરકારી બેદરકારી સામે અદાલતે ફટકારી રૂ. ૧.૭૮ લાખની વધારાની ભરપાઈ

કોચી : જંગલી પ્રાણીઓના હુમલાનો શિકાર બનતા પીડિતો અને તેમના પરિવારો માટે કેરળ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ન્યાયિક ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ ઠરાવ્યું છે કે જંગલી જાનવરોના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા કે જીવ ગુમાવનારા લોકોને ચૂકવાતા વળતરની રકમ ૧૯૮૦ના નિયમો હેઠળની ₹૨૦,૦૦૦ની મર્યાદા સુધી સીમિત રાખી શકાય નહીં. કોર્ટે અવલોકન કર્યું કે ₹૨૦,૦૦૦ એ માત્ર એક લઘુત્તમ 'એક્સ ગ્રેસિયા' સહાય છે, જેને ભોગ બનનારના સાચા નુકસાન કે જીવનના મૂલ્યની મહત્તમ મર્યાદા (છત) માની શકાય નહીં.
"રાજ્ય જ વન્યજીવોનું માલિક, કડક જવાબદારી તેની જ"
જસ્ટિસ મોહમ્મદ નિયાસ સીપીની બેંચે વન વિભાગની અપીલ ફગાવતાં જણાવ્યું કે, ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ (જીવન જીવવાનો અધિકાર) અને 'સ્ટ્રિક્ટ લાયબિલિટી' (કડક જવાબદારી) ના સિદ્ધાંત હેઠળ પીડિતોને વાજબી અને પર્યાપ્ત વળતર મેળવવાનો સ્વતંત્ર અધિકાર છે. રાજ્ય સરકાર જંગલી પ્રાણીઓની રક્ષક અને માલિક હોવાથી, જાનવરોને માનવ વસવાટ કે પંચાયત રોડ પર આવતા રોકવાની જવાબદારી સરકારની છે. જો વન વિભાગ આ સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ જાય, તો તે નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ ગણાશે.
હાથીના હુમલામાં પતિ ગુમાવનાર પરિવારનો લાંબો ન્યાયિક જંગ
આ કેસ પંચાયત રોડ પર જંગલી હાથીના હુમલામાં માર્યા ગયેલા એક વ્યક્તિના પરિવાર સાથે જોડાયેલો છે. મૃતકના પરિવારજનોએ ₹૨ લાખના વળતરની માંગ કરી હતી, પરંતુ વન વિભાગે નિયમોનું બહાનું બતાવી માત્ર ₹૨૦,૦૦૦ આપીને હાથ ઊંચા કરી દીધા હતા. વિભાગે એવો પણ દાવો કર્યો હતો કે મૃતક નશામાં હતો. જોકે, ટ્રાયલ કોર્ટે તપાસમાં નોંધ્યું કે જંગલની સરહદ પર પાવર ફેન્સિંગ કે ખાઈ જેવી કોઈ સુરક્ષા નહોતી. જેથી ટ્રાયલ કોર્ટ અને પ્રથમ અપીલ કોર્ટે પરિવારને વધારાના ₹૧.૭૮ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેને હવે હાઈકોર્ટે પણ બહાલ રાખ્યો છે.
ભવિષ્યના કેસો માટે મોટો દસ્તાવેજી ચુકાદો
કેરળ હાઈકોર્ટના આ ચુકાદાથી માનવ-વન્યજીવ સંઘર્ષનો ભોગ બનતા દેશભરના પીડિતો માટે ન્યાયના દ્વાર ખુલ્યા છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે સરકારી યોજનાઓ હેઠળ નક્કી થયેલી રકમ અદાલતોને પીડિતની પીડા અને વાસ્તવિક નુકસાન મુજબ વધુ વળતર આપતા રોકી શકતી નથી. રાજ્ય સરકારે માત્ર વળતર આપીને છટકી જવાના બદલે સરહદી વિસ્તારોમાં યોગ્ય વાડ અને ખાઈઓ બનાવીને જાનમાલનું રક્ષણ કરવું પડશે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
