News of Tuesday, 1st September 2026
સુભાષ ચંદ્રાના ૨૨ હજાર કરોડના દાવા સામે ૬.૨૫ કરોડના પ્લાનને ઝટકોઃ પાંચ સભ્યની એનસીએલટી બેન્ચે જૂના આદેશ પર રોક લગાવી
લેણદારોની લડતને મોટી રાહતઃ સુભાષ ચંદ્રાની સંપત્તિ વેચવા-ટ્રાન્સફર કરવા મનાઈ, ૨૫ ઓગસ્ટનો ચુકવણી પ્લાન હાલ પૂરતો અટક્યોઃ નાદારી કેસમાં નવો વળાંકઃ ૯૯.૯૭ ટકા જેટલી કપાતવાળી યોજના અટકી, પાંચ સભ્યની વિશેષ બેન્ચ હવે સમગ્ર કેસની નવેસરથી સુનાવણી કરશે

નવી દિલ્હી, તા. ૧: ઝી અને એસ્સેલ ગ્રૂપના સ્થાપક સુભાષ ચંદ્રા સાથે સંકળાયેલા વ્યક્તિગત નાદારી કેસમાં મોટો વળાંક આવ્યો છે. રાષ્ટ્રીય કંપની કાયદા ટ્રિબ્યુનલની પાંચ સભ્યોની વિશેષ બેન્ચે સુભાષ ચંદ્રાની રૂ. ૬.૨૫ કરોડની પુનઃચુકવણી યોજનાને મંજૂરી આપતી ૨૫ ઓગસ્ટની કાર્યવાહી ઉપર રોક લગાવી દીધી છે.
સાથે જ ચંદ્રાને કેસની કાર્યવાહી ચાલુ રહે ત્યાં સુધી પોતાની કોઈ પણ મિલકત સીધી કે આડકતરી રીતે વેચવા, હસ્તાંતરિત કરવા કે અન્ય રીતે તેનો નિકાલ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સંબંધિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી સમગ્ર મામલો નવેસરથી સાંભળવાનો નિર્ણય લેવાયો છે.
આ કેસમાં સ્વીકારાયેલા કુલ દાવાની રકમ રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડ છે, જ્યારે પુનઃચુકવણી યોજનામાં લેણદારોને માત્ર રૂ. ૬.૨૫ કરોડ આપવાની અને નાદારી પ્રક્રિયાના ખર્ચ માટે વધારાના રૂ. ૨૫ લાખ ફાળવવાની જોગવાઈ હતી. આમ રૂ. ૬.૨૫ કરોડની ચુકવણી કુલ દાવાના માત્ર આશરે ૦.૦૩ ટકા જેટલી થતી હતી. એટલે યોજના અમલમાં આવી હોત તો સ્વીકારાયેલા દાવામાં આશરે ૯૯.૯૭ ટકા જેટલી કપાત થાત.
જોકે રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડને સુભાષ ચંદ્રાએ વ્યક્તિગત રીતે લીધેલી સીધી બેંક લોન તરીકે ગણવી યોગ્ય નથી. સમગ્ર કાર્યવાહી એસ્સેલ ગ્રૂપ સાથે સંકળાયેલી કંપનીઓના ઉધારો માટે સુભાષ ચંદ્રાએ આપેલી વ્યક્તિગત ગેરંટીઓ સાથે જોડાયેલી છે.
સુભાષ ચંદ્રાએ પણ જાહેરમાં જણાવ્યું છે કે તેમણે બેંકો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી વ્યક્તિગત રીતે કોઈ સીધી લોન લીધી નથી. તેઓએ કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોન માટે વ્યક્તિગત ગેરંટી આપી હતી. તેમના કહેવા પ્રમાણે મૂળ ઉધાર લેનારી કંપનીઓની જવાબદારી યથાવત રહે છે.
આ સમગ્ર ગૂંચવણ અગાઉની બે સભ્યોની બેન્ચમાં મતભેદ સર્જાતા ઊભી થઈ હતી. ન્યાયિક સભ્ય અશોકકુમાર ભારદ્વાજે યોજનાને ટેકો આપનારા લેણદારો માટે તેને મંજૂર કરવાની તરફેણ કરી હતી, જ્યારે ટેકનિકલ સભ્ય રીના સિહા પુરીએ પ્રક્રિયામાં ગંભીર ખામીઓ દર્શાવી યોજના નકારી કાઢવાની તરફેણ કરી હતી.
મતભેદ બાદ મામલો ત્રીજા સભ્ય નિલેશ શર્માને મોકલવામાં આવ્યો હતો. તેમણે ૨૫ ઓગસ્ટે પુનઃચુકવણી યોજનાને મંજૂરી આપવાની તરફેણ કરી હતી. જોકે મામલો પાછો મૂળ બે સભ્યોની બેન્ચ સમક્ષ પહોંચતાં એવો પ્રશ્ન ઊભો થયો કે ત્રણ સભ્યોના અભિપ્રાયમાંથી સ્પષ્ટ બહુમતીનો અંતિમ નિર્ણય બને છે કે નહીં.
ત્યારબાદ ટ્રિબ્યુનલના પ્રમુખ નિવૃત્ત ન્યાયમૂર્તિ અનુપિદર સિહ ગ્રેવાલની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની વિશેષ બેન્ચ રચવામાં આવી. તેમાં ન્યાયિક સભ્યો બચ્ચુ વેંકટ બલરામ દાસ અને મહેન્દ્ર ખંડેલવાલ તથા ટેકનિકલ સભ્યો અતુલ ચતુર્વેદી અને રવિન્દ્ર ચતુર્વેદીનો સમાવેશ થાય છે.
વિશેષ બેન્ચે પ્રાથમિક રીતે નોંધ્યું કે અગાઉની કાર્યવાહીમાંથી અમલમાં મૂકી શકાય એવો સ્પષ્ટ બહુમતી અભિપ્રાય બહાર આવ્યો નથી. તેથી ૨૫ ઓગસ્ટના આદેશના અમલ ઉપર રોક મૂકી સમગ્ર કેસની નવેસરથી સુનાવણી કરવાનો નિર્ણય લેવાયો છે.
બીજી તરફ અસહમત લેણદારોમાં સામેલ કેટલીક બેંકો અને નાણાકીય સંસ્થાઓએ પુનઃચુકવણી યોજના સામે અપીલનો માર્ગ પણ અપનાવ્યો છે. લેણદારો તરફથી અત્યંત ઓછી વસૂલાત, મતદાન પ્રક્રિયા અને વ્યક્તિગત ગેરંટીના અમલ સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. સુભાષ ચંદ્રાએ પોતાના પક્ષમાં એવો દાવો કર્યો છે કે કંપનીઓએ લીધેલા નાણાંના મામલે તેઓ માત્ર ગેરંટર હતા અને મૂળ ઉધાર લેનારી કંપનીઓની જવાબદારી સમાપ્ત થતી નથી. કેટલીક કંપનીઓએ મોટી રકમ પરત કરી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. જોકે આ તમામ દલીલો અંગે હવે પાંચ સભ્યોની વિશેષ બેન્ચ અંતિમ નિર્ણય કરશે. હાલની કાનૂની સ્થિતિ પ્રમાણે રૂ. ૬.૨૫ કરોડની પુનઃચુકવણી યોજનાનો અગાઉનો આદેશ અમલમાં રહી શકશે નહીં અને વિશેષ બેન્ચના આગળના આદેશ સુધી સુભાષ ચંદ્રા પોતાની મિલકતોનો સીધો કે આડકતરો નિકાલ પણ કરી શકશે નહીં. (૪૦.૫૫)
પાંચ સભ્યોની વિશેષ બેન્ચે જૂના આદેશને અટકાવ્યો
અગાઉની બે સભ્યોની બેન્ચમાં મતભેદ થતાં મામલો ત્રીજા સભ્ય સુધી ગયો હતો. ત્યારબાદ પણ સ્પષ્ટ બહુમતીનો અંતિમ અભિપ્રાય ઊભો ન થતા ટ્રિબ્યુનલના પ્રમુખની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની વિશેષ બેન્ચ રચાઈ. આ બેન્ચે ૨૫ ઓગસ્ટની પુનઃચુકવણી યોજનાને અમલમાં મૂકતા આદેશ ઉપર રોક લગાવી છે અને સમગ્ર કેસની નવેસરથી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.
૨૨,૦૦૬.૫૭ કરોડ સામે માત્ર ૬.૨૫ કરોડ
સુભાષ ચંદ્રા સાથે જોડાયેલા વ્યક્તિગત નાદારી કેસમાં સ્વીકારાયેલા કુલ દાવાની રકમ રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડ છે. તેની સામે પુનઃચુકવણી યોજનામાં લેણદારોને માત્ર રૂ. ૬.૨૫ કરોડ ચૂકવવાની જોગવાઈ હતી. આ રકમ કુલ દાવાના આશરે ૦.૦૩ ટકા જેટલી થાય છે. ઉપરાંત નાદારી પ્રક્રિયાના ખર્ચ માટે રૂ. ૨૫ લાખ ફાળવાયા હતા. યોજના અમલમાં આવી હોત તો દાવાની રકમ સામે આશરે ૯૯.૯૭ ટકા જેટલી કપાત થાત.
સંપત્તિ વેચવા કે ટ્રાન્સફર કરવા સુભાષ ચંદ્રાને મનાઈ
વિશેષ બેન્ચે સુભાષ ચંદ્રાને કેસની કાર્યવાહી ચાલુ રહે ત્યાં સુધી પોતાની કોઈ પણ સંપત્તિ સીધી કે આડકતરી રીતે વેચવા, હસ્તાંતરિત કરવા કે અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડને ચંદ્રાએ વ્યક્તિગત રીતે લીધેલી સીધી લોન માનવી યોગ્ય નથી; મામલો મુખ્યત્વે કંપનીઓના ઉધારો માટે આપવામાં આવેલી વ્યક્તિગત ગેરંટીઓ સાથે જોડાયેલો છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
