News of Tuesday, 1st September 2026
ભારતના એડટેક સેક્ટરમાં સૌથી મોટો ધડાકો: ૧ અબજ ડૉલરની યુનિકોર્ન કંપની Unacademy ને UpGrad એ $૨૦૦ મિલિયનમાં ખરીદી લીધી; મૂલ્યાંકનમાં મોટો કડાકો!
૬ વર્ષ બાદ સોના જેવી કંપની પાણીના મુલે વેચાઈ: CEO ગૌરવ મુંજાલે ખુલ્લેઆમ સ્વીકાર્યો વેલ્યુએશનનો મોટો તફાવત; રોની સ્ક્રુવાલા સાથે જોડાણથી શિક્ષણ ક્ષેત્રે નવી આશાઓ

બેંગલુરુ, તા.૦૧: ભારતના ઓનલાઈન એડટેક (EdTech) ક્ષેત્રમાંથી એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. એક સમયે ૧ અબજ ડૉલરથી વધુનું માર્કેટ વેલ્યુએશન ધરાવતી અને યુનિકોર્ન ક્લબમાં દબદબો ધરાવતી 'Unacademy' ને અન્ય એડટેક જાયન્ટ 'UpGrad' દ્વારા આશરે $૨૦૦ મિલિયન (આશરે ₹૧,૬૫૦ કરોડથી વધુ) થી થોડી વધુ કિંમતમાં હસ્તગત (Acquisition) કરી લેવામાં આવી છે.
સ્ટાર્ટઅપ જગતમાં આ સોદાને એક મોટા કડાકા અને ઈન્ડસ્ટ્રીના સુધારા તરીકે જોવામાં આવી રહ્યો છે.
CEO ગૌરવ મુંજાલની ખુલ્લી કબૂલાત: "વાસ્તવિકતા છુપાવવી નથી"
Unacademy ના સહ-સ્થાપક અને CEO ગૌરવ મુંજાલે કંપનીના પીક વેલ્યુએશન અને વર્તમાન સંપાદન કિંમત વચ્ચેના જમીન-આસમાનના તફાવત અંગે ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કંપનીએ પોતાની ટોચના સમયગાળા દરમિયાન ભારે ફંડિંગ એકત્ર કર્યું હતું, પરંતુ આજે ઘણા ઓછા મૂલ્યાંકન પર બહાર નીકળવું પડ્યું છે. તેમણે ઉમેર્યું કે તેઓ આ વ્યવહારની વાસ્તવિકતા સોશિયલ મીડિયા કે લોકોથી છુપાવવા માંગતા નથી.
જોકે, મુંજાલે સ્પષ્ટતા કરી હતી કે કંપનીએ નાણાકીય લાચારીને કારણે નહીં પરંતુ ભવિષ્યની સ્થિરતા માટે આ સોદો કર્યો છે. Unacademy પાસે આશરે ₹૪૦૦ કરોડની વાર્ષિક આવક હતી અને મોટાભાગના બિઝનેસ નફાકારકતાની નજીક હતા. ઉપરાંત કંપની પાસે ₹૯૦૦ કરોડનું રોકડ અનામત (Cash Reserve) પણ પડ્યું હતું. 'UpGrad' ના સ્થાપક રોની સ્ક્રુવાલા સાથેની વિગતવાર ચર્ચા બાદ શિક્ષણ ક્ષેત્રે વધુ તકો ઊભી કરવા માટે આ મર્જરનો નિર્ણય લેવાયો હતો.
૧૦ અબજથી વધુ વ્યૂઝ અને શિક્ષણનું લોકશાહીકરણ
મૂલ્યાંકન ઘટી જવા છતાં મુંજાલે Unacademy ની સિદ્ધિઓ ગણાવી હતી:
• યુટ્યુબ ક્રાંતિ: કંપનીના પ્લેટફોર્મ સાથે જોડાયેલા શિક્ષકોની યુટ્યુબ સામગ્રીએ સામૂહિક રીતે ૧૦ અબજ (10 Billion) થી વધુ વ્યૂઝ મેળવ્યા છે.
• એરલર્ન (Airlearn) ની સફળતા: ભાષા-શિક્ષણ માટેનું આ પ્લેટફોર્મ માત્ર બે જ વર્ષમાં વિશ્વની ટોચની ત્રણ સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્લિકેશન્સમાં સામેલ થઈ ગયું હતું.
• ESOP બાયબેક: કંપનીએ તેના ઈતિહાસમાં ૪ વાર કર્મચારી સ્ટોક ઓનરશીપ પ્લાન (ESOP) બાયબેક કરીને કર્મચારીઓ માટે સંપત્તિનું સર્જન કર્યું હતું.
આ સોદો સાબિત કરે છે કે કોરોના કાળ પછી ભારતીય એડટેક ક્ષેત્રમાં જે અવિચારી વેલ્યુએશન વધી ગયા હતા, તે હવે વાસ્તવિકતાના ધોરણે પાટા પર આવી રહ્યા છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
