News of Tuesday, 1st September 2026
ભારતને રશિયાની અત્યાર સુધીની સૌથી મોટી ડિફેન્સ ઓફર: શું S-500 મિસાઈલ અને Su-57 સ્ટીલ્થ જેટની ડીલ ફાઇનલ થશે? જાણો આ ઘાતક હથિયારોની તાકાત!
વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચેની મુલાકાત બાદ રશિયાએ ટેબલ પર મૂક્યો મહત્ત્વનો પ્રસ્તાવ; ચીન અને પાકિસ્તાનના વધતા ખતરા વચ્ચે ભારત માટે નિર્ણાયક ઘડી

નવી દિલ્હી, તા.૦૧: બિશ્કેકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંરક્ષણ સંબંધોમાં એક નવો મોટો વળાંક આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાનારી આગામી દ્વિપક્ષીય શિખર મુલાકાત પહેલાં, રશિયાએ ભારતને પોતાની બે સૌથી અદ્યતન અને વિધ્વંસક શસ્ત્ર પ્રણાલીઓ – S-500 પ્રોમિથિયસ એર ડિફેન્સ સિસ્ટમ અને Su-57 ફેલોન સ્ટીલ્થ ફાઈટર જેટ આપવાની ખુલ્લી ઓફર કરી છે.
S-500 મિસાઈલ સિસ્ટમ: આકાશમાં રચાશે અદ્રશ્ય કવચ
પાકિસ્તાન સામે હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય વાયુસેનાની S-400 સિસ્ટમે અસાધારણ અંતરથી દુશ્મનના વિમાનને તોડી પાડીને પોતાની તાકાત સાબિત કરી હતી. હવે રશિયા તેનાથી પણ એક કદમ આગળ વધીને ભારતને S-500 સિસ્ટમ અને વધારાના ૫ S-400 સ્ક્વોડ્રન આપવા તૈયાર થયું છે.
• S-500 ની ખાસિયતો: આ સિસ્ટમ ૫૦૦ થી ૬૦૦ કિલોમીટરની રેન્જમાં આવતા કોઈપણ ખતરાને તોડી પાડે છે. તેનું રડાર ૮૦૦ કિલોમીટર દૂરથી જ દુશ્મનની મિસાઈલ કે વિમાનને ટ્રેક કરી લે છે. S-400 નો રિસ્પોન્સ ટાઈમ ૧૦ સેકન્ડનો છે, જ્યારે S-500 માત્ર ૪ સેકન્ડથી ઓછા સમયમાં હુમલો કરવા માટે સજ્જ થઈ જાય છે. તે હાઈપરસોનિક અને બેલિસ્ટિક મિસાઈલો તેમજ US ના F-35 અને F-22 જેવા 5th જનરેશન સ્ટીલ્થ વિમાનોને પણ આસાનીથી નિશાન બનાવી શકે છે.
ભારત માટે ધર્મસંકટ: સ્વદેશી પ્રોજેક્ટ 'કુશા' નું શું થશે?
રશિયાની આ ઓફર સામે ભારત પાસે એક મોટો પડકાર છે. ભારત હાલમાં S-400 ક્લાસની જ પોતાની સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ 'પ્રોજેક્ટ કુશા' (Project Kusha) અને બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) પ્રોગ્રામ પર ઝડપથી કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અબજો ડોલરના ખર્ચે S-500 ખરીદવું કે પોતાના સ્વદેશી પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવું, તે અંગે ભારત સરકારે મોટો નિર્ણય લેવો પડશે.
Su-57 સ્ટીલ્થ ફાઈટર જેટ: ચીન-પાક જોડીને ટક્કર આપવાની ક્ષમતા
બીજી બાજું, એશિયામાં બદલાતી સુરક્ષા પરિસ્થિતિ વચ્ચે ચીન પાસે ૫૦૦ થી વધુ J-20 સ્ટીલ્થ જેટ છે અને પાકિસ્તાન પણ ચીન પાસેથી J-35 મેળવવાની તૈયારીમાં છે. ભારતીય વાયુસેનાના ઘટી રહેલા ફાઈટર સ્ક્વોડ્રન અને સ્વદેશી AMCA વિમાન તૈયાર થવામાં લાગનારા વિલંબને જોતા રશિયાનું Su-57 ફેલોન ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. Su-57 એ ડ્યુઅલ એન્જિન ધરાવતું પંચમ પેઢીનું એવું સ્ટીલ્થ વિમાન છે જે દુશ્મનના રડાર પકડમાં આવ્યા વિના મેક ૨ (મચ ૨) ની સુપરસોનિક ઝડપે ઉડી શકે છે.
ડિફેન્સ સપ્લાયર્સનું વૈવિધ્યીકરણ અને રશિયાનું પલડું
જોકે ભારતે છેલ્લા કેટલાક સમયમાં માત્ર એક જ દેશ પર નિર્ભર રહેવાને બદલે યુએસએ (USA) પાસેથી જેવેલિન મિસાઈલો અને ફ્રાન્સ પાસેથી ૧૧૪ રાફેલ જેટ ખરીદવાની પ્રક્રિયા આગળ ધપાવી છે. આમ છતાં, દાયકાઓ જૂના સંબંધો, ટેન્ક, વિમાન અને સબમરીન ટેકનોલોજીના કારણે ભારતીય સેનામાં રશિયન હથિયારોનું વર્ચસ્વ હજુ પણ અકબંધ છે. આ દ્વિપક્ષીય બેઠકમાં રશિયાએ વોરોનેઝ રડાર અને Su-30MKI ને અપગ્રેડ કરવાની પણ ઓફર આપી છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
