News of Tuesday, 1st September 2026
સિકંદરાબાદ કેન્ટોનમેન્ટમાં સનસનાટીભરી ચોરી: આર્મીના અતિસુરક્ષિત પરિસરમાંથી AK-47, INSAS રાઇફલ અને પિસ્તોલો ગાયબ; સેનામાં મોટો સુરક્ષા ભંગ!
મદ્રાસ રેજિમેન્ટ કમ્પાઉન્ડનું તાળું તોડી ૪ AK-47 અને ૬ પિસ્તોલ ચોરાઈ: અંદરના જ કોઈ કર્મચારીની સંડોવણી હોવાની શંકા; સેના અને પોલીસનું સંયુક્ત મેગા સર્ચ ઓપરેશન

હૈદરાબાદ (સિકંદરાબાદ), તા.૦૧: તેલંગાણાના સિકંદરાબાદ કેન્ટોનમેન્ટ સ્થિત અત્યંત સુરક્ષિત અને પ્રતિબંધિત આર્મી પરિસરમાંથી એક ખૂબ જ આંચકાજનક અને ગંભીર સુરક્ષા ભંગની ઘટના સામે આવી છે. અતિસુરક્ષિત ગણાતા આ લશ્કરી કમ્પાઉન્ડમાંથી ૪ AK-47 રાઇફલ, ૧ INSAS રાઇફલ અને ૬ પિસ્તોલ સહિતના ઘાતક અત્યાધુનિક શસ્ત્રોનો જથ્થો અજાણ્યા તસ્કરો ચોરી ગયા હોવાનો આરોપ છે. આ ઘટનાથી સેનાના ઉચ્ચ અધિકારીઓથી લઈને રાજ્યના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
મદ્રાસ રેજિમેન્ટના રૂમનું તાળું તોડી ચોરી
આ સનસનાટીભરી ચોરી રવિવારની રાત્રે સિકંદરાબાદના મદ્રાસ રેજિમેન્ટ પરિસરની અંદર આવેલા એક રૂમમાંથી થઈ હોવાનું કહેવાય છે. પ્રાથમિક તપાસ અને પોલીસ ફરિયાદ મુજબ, શંકાસ્પદ લોકોએ રૂમનો દરવાજો અને તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં રાખેલા ભયાનક શસ્ત્રો ગાયબ કરી દીધા હતા. આ વિસ્તારમાં સામાન્ય નાગરિકોનો પ્રવેશ સંપૂર્ણપણે બંધ હોય છે, માત્ર આર્મી કર્મચારીઓ અને કેટલાક આઉટસોર્સ્ડ નાગરિક સ્ટાફને જ એન્ટ્રી મળતી હોય છે.
અંદરની વ્યક્તિની સંડોવણીની દ્રઢ શંકા
સેનાના જવાનો જ્યારે રૂમમાં પહોંચ્યા ત્યારે શસ્ત્રો ગાયબ જોઈને તેમના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. જે બાદ તાત્કાલિક સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો. આટલી કડક સુરક્ષા અને પહરા વચ્ચેથી હથિયારો ગાયબ થઈ જતાં આર્મી અને પોલીસ તપાસકર્તાઓને દ્રઢ શંકા છે કે સુરક્ષા વ્યવસ્થા અને સ્થળથી વાકેફ 'અંદરની જ કોઈ વ્યક્તિ' (Inside job) એ આ ચોરીમાં મોટી મદદ કરી છે.
સીસીટીવી અને સુરક્ષા ગાર્ડ્સની કડક પૂછપરછ
ઘટના અંગે સેનાની ફરિયાદ બાદ બોલારામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મલકાજગીરી પોલીસ કમિશનરેટના વરિષ્ઠ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
• CCTV ફૂટેજ: પરિસરના તમામ CCTV કેમેરા અને એક્સેસ રજિસ્ટર બારીકાઈથી તપાસાઈ રહ્યા છે.
• ગાર્ડ્સની પૂછપરછ: રાત્રિ ડ્યુટી પર તૈનાત રક્ષકો અને તાજેતરમાં શસ્ત્રાગારમાં ગયેલા સ્ટાફની તીવ્ર પૂછપરછ શરૂ કરાઈ છે.
સુરક્ષા એજન્સીઓ હાલ એ શોધવામાં લાગી છે કે આટલા સુરક્ષિત વિસ્તારમાંથી હથિયારો બહાર કેવી રીતે લઈ જવાયા અને તેની પાછળ કોઈ મોટું કાવતરું છે કે કેમ. શસ્ત્રો રિકવર કરવા માટે સેના અને પોલીસનું સંયુક્ત ઓપરેશન ચાલુ છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
