News of Wednesday, 16th September 2026
ચીન-પાકિસ્તાન સંયુક્ત સીમા પંચ સામે ભારતનો સખત વિરોધ: 'અમારા પ્રદેશો તાત્કાલિક ખાલી કરો', ભારતે ૧૯૬૩ના સીમા કરારને ગેરકાયદે ગણાવી ફગાવ્યો!
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ સરહદ નથી; પાકિસ્તાન-વ્યાપ્ત કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન હિસ્સો છે અને ગેરકાયદે કબજાને કાયદેસર કરવાનો પ્રયાસ અસ્વીકાર્ય છે.

નવી દિલ્હી : ચીન અને પાકિસ્તાન દ્વારા પાકિસ્તાન-વ્યાપ્ત કાશ્મીર (PoK) ના ઉત્તરીય વિસ્તારોમાં સંયુક્ત સીમા પંચ (Joint Boundary Commission) ને કાર્યાન્વિત કરવાના નિર્ણય સામે ભારતે સખત વાંધો ઉઠાવી તેને આકરા શબ્દોમાં ફગાવી દીધો છે. મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે ભારતના ગેરકાયદેસર અને બળજબરીપૂર્વકના કબજા હેઠળના પ્રદેશો અંગે આવી કોઈ પણ વ્યવસ્થા કરવાનો કોઈ કાનૂની અધિકાર કે આધાર નથી. ભારતે ઈસ્લામાબાદને પોતાના કબજા હેઠળના તમામ ભારતીય વિસ્તારોને "તાત્કાલિક ખાલી" કરવા માટે કડક ચેતવણી આપી છે.
વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો હતો કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહ્યા છે, છે અને હંમેશા રહેશે. ભારત અને ચીન વચ્ચે સરહદ છે પરંતુ પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ ભૌગોલિક સરહદ અસ્તિત્વ ધરાવતી નથી. ૧૯૬૩માં પાકિસ્તાન અને ચીન વચ્ચે થયેલો કહેવાતો 'સીમા કરાર' સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અમાન્ય છે. પાકિસ્તાન દ્વારા ભારતીય જમીનનો ઉપયોગ કરીને ચીન સાથે કરાર કરવો એ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર સીધો આઘાત છે.
ભારતે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે વિવાદિત અને ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા વિસ્તારોની સ્થિતિ બદલવાનો કે તેને કાયદેસરતા આપવાનો ચાઇના-પાકિસ્તાનનો કોઈ પણ પ્રયાસ ભારત માટે ક્યારેય સ્વીકાર્ય રહેશે નહીં. આવા કોઈ પણ સીમા સહયોગની ભારતના પ્રાદેશિક દાવાઓ પર કોઈ અસર પડશે નહીં અને ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
