News of Tuesday, 29th September 2026
બજેટ પ્રક્રિયામાં વિધાનસભાના માધ્યમથી લોકોને જાડવાનો પ્રયાસ, નવુ સીમાંકન થશે તો બેઠકો વધશે : શંકર ચૌધરી
એક પણ દિવસ ગૃહ મોકૂફ રાખવુ ન પડે તે ગુજરાતની લોકશાહી પધ્ધતિનું આગવુ પાસુ : વિધાનસભાના અધ્યક્ષ અકિલાના આંગણે : ગૃહના સંચાલનમાં શાસક-વિપક્ષ સહયોગી : પેપરલેસ કામગીરીને અગ્રતા : ડ્રાફટીંગ સ્કીલ ડેવલોપમેન્ટનો નૂતન પ્રયોગ : શંકર ચૌધરીના નયનોમાં નેહ, અકિલાના આંગણે વરસ્યા ખુશીના મેહ : વિધાનસભાની કાર્યવાહીના જીવંત પ્રસારણ અંગે ભવિષ્યમાં વિચારવાનો નિર્દેષ

રાજયની વિધાનભાના અધ્યક્ષ : શ્રી શંકર ચૌધરી અને અકિલા પરિવાર વચ્ચે વર્ષોથી સ્નેહનો નાતો છે. સ્નેહની કડી સર્વથી વડી ... : ગઇકાલે સોમવારે તેઓ જામકંડોરણાના સહકારી કાર્યક્રમમાં જતા પૂર્વે અકિલાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા અને એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષ ગણાત્રા સાથે પારીવારિક માહોલમાં વિધાનસભાની કાર્યવાહી સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આ પ્રસંગે મેયર ડો. નેહલ શુકલ ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ, અકિલા પરિવારના ડો. અનિલ દશાણી, શૈલેષ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અકિલાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ર૯ :.. ગુજરાતના જાહેર જીવનના ગૌરવરૂપ રાજનેતા અને રાજયની વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ ગઇકાલે સોમવારે અકિલા કાર્યાલયની મુલાકાત લઇ વિધાનસભાની કાર્ય પધ્ધતિ, પોતે અધ્યક્ષ બન્યા પછી કાર્યવાહીમાં પરિવર્તન, લોકશાહીનું ગૌરવ વગેરે મુદ્્ે ચર્ચા કરેલ. તેમણે વિધાનસભાની માધ્યમથી બજેટ ઘડતરની પ્રક્રિયામાં જનતાની સામેલગીરીની નવતર પધ્ધતિની વાત કરી હતી. ગૃહની કાર્યવાહીના જીવંત પ્રસારણ અંગે ભવિષ્યમાં વિચારવાનો નિર્દેષ કર્યો હતો. રાજય અને દેશ માટે યુવાનોની ઉર્જા અને વડીલોના અનુભવની જરૂરીયાત ગણાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ સંસદીય પધ્ધતિના લગતા ડ્રાફટીંગ સ્કીલ ડેવલોપમેન્ટના નૂતન પ્રયોગનો તેમણે ઉલ્લેખ કર્યા હતો.
અકિલાના આંગણે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા અને એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષ ગણાત્રા સાથેની વાતચીતમાં અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવેલ કે અમૂક રાજયોમાં વિધાનસભા ગૃહ બબ્બે-ત્રણ ત્રણ દિવસ મોકૂફ રાખવા પડે છે. ગુજરાતમાં હું ગૃહનો અધ્યક્ષ બન્યા પછી એક પણ દિવસ ગૃહ મુલત્વી રાખવુ પડયુ નથી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષદભાઇ સંઘવી તથા શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો ગૃહના સંચાલનમાં સહયોગી છે. બધા સભ્યો અધ્યક્ષનું માન જાળવે છે. રાજય ‘ ઇ એસેમ્બલી' તરફ આગળ વધી રહી છે. વહીવટી પ્રક્રિયા પેપરલેસ થઇ રહી છે. તે ટેકનોલોજી સાથે કદમ છે અને પર્યાવરણના બચાવમાં ઉપયોગી છે. ધારાસભ્યોમાં યુવાનોનું પ્રમાણ નોંધપાત્ર છે.
વિધાનસભાની કાર્યવાહીનું સત્ર વખતે જીવંત પ્રસારણ કરવાની માંગણી અંગેના સવાલના જવાબમાં અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ કહ્યુ કે જે પ્રશ્નોતરી થઇ હોય તેનું ‘લોકશાહીના ધબકાર' નામના ટીવી કાર્યક્રમમાં તે જ દિવસે પ્રસારણ કરવામાં આવે છે ગૃહની કાર્યવાહીમાં ભાગ લેનારા લોકોની પરિવકતા વધી રહી છે. જીવંત પ્રસારણની માંગણી અંગે ભવિષ્યમાં વિચાર થઇ શકે છે.
તેમણે જણાવેલ કે વિધાનસભાના સત્ર વખતે લોકપ્રતિનિધિઓ દ્વારા થતી રજૂઆતો અને સૂચનોનું સંકલન કરી બજેટ પ્રક્રિયામાં તેને ધ્યાને લેવા માટે સચિવોને બેસાડવામાં આવે છે. બજેટ એટલે એકલા મંત્રીની જવાબદારી નહિ સચિવની પણ જવાબદારી છે. ગૃહના માધ્યમથી બજેટ પ્રક્રિયામાં જનતાની સામેલગીરી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે મહિલા અનામત ખરડો અમલમાં આવે અને વિધાનસભાનું નવુ સીમાંકન થાય તો હાલની ૧૮ર બેઠકોની સંખ્યા વધવાની શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧ મે ૧૯૬૦ના રોજ, દ્વિભાષી બોમ્બે રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને ‘બોમ્બે પુનર્ગઠન અધિનિયમ, ૧૯૬૦' હેઠળ નવા ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી. તે અનુસાર ગુજરાત વિધાનસભાની પણ રચના થઈ, અને બોમ્બે વિધાનસભાના ૧૩૨ સભ્યો જે ગુજરાતના મતવિસ્તારોમાંથી ચૂંટાયા હતા, તેઓ ગુજરાત વિધાનસભાના સભ્યો બન્યા. વિધાનસભાની સભ્યસંખ્યા ૧૯૬૨માં વધારીને ૧૫૪ અને ૧૯૬૭માં ૧૬૮ કરવામાં આવી હતી, જેને ૧૯૭૫માં વધુ વધારીને વર્તમાન સંખ્યા ૧૮૨ કરવામાં આવી. છે. તેમાં ભવિષ્યમાં વધારો થઇ શકે છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
