તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
હવામાં મોતને માત આપનાર ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરઃ ગંભીર રીતે ઘવાયા છતાં ખોલાવ્યો કોકપિટનો દરવાજો: મોટી દુર્ઘટના ટળી
બંને પાઇલટોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હુમલાખોરને સાઉદી અધિકારીઓએ કસ્ટડીમાં લીધો હતો.

નવી દિલ્હી: દુબઈથી તેલ અવીવ જઈ રહેલા ફ્લાયદુબઈના વિમાનમાં સહપાઇલટના હુમલાનો બહાદુરીપૂર્વક સામનો કરનારા કેપ્ટન સ્મિત મચ્છર ભારતીય નાગરિક અને ગુજરાતી મૂળના હોવાનું બહાર આવ્યું છે. જોકે તેઓ નાગર જ્ઞાતિના હોવા અંગે તેમના પરિવારનું નિવેદન હજુ સામે આવ્યું નથી.
એક અહેવાલમાં તેમને ગુજરાતી નાગર બ્રાહ્મણ પરિવારના ગણાવવામાં આવ્યા છે, જ્યારે બીજા અહેવાલમાં તેમને ગુજરાતી બ્રહ્મક્ષત્રિય પરિવારના જણાવાયા છે. તેમનું ચોક્કસ વતન, જન્મસ્થળ, ઉંમર અને પરિવાર અંગેની વિગતો પણ જાહેર થઈ નથી.
કેપ્ટન સ્મિત મચ્છર જૂન, ૨૦૨૨થી ફ્લાયદુબઈમાં બોઇંગ–૭૩૭ વિમાનના કેપ્ટન તરીકે કાર્યરત છે. અગાઉ તેમણે જૂન, ૨૦૧૧થી લગભગ અગિયાર વર્ષ સુધી સ્પાઇસજેટમાં સેવા આપી હતી. ત્યાં તેઓ વરિષ્ઠ કમાન્ડર ઉપરાંત નવેમ્બર, ૨૦૨૦થી અન્ય પાઇલટોને તાલીમ અને મૂલ્યાંકન આપતા તાલીમ કેપ્ટન તરીકે કાર્યરત હતા.
તેમની વ્યાવસાયિક વિગતો પ્રમાણે તેઓ બોઇંગ–૭૩૭–૮૦૦ તેમજ બોઇંગ–૭૩૭ મેક્સ શ્રેણીનાં વિમાનો ઉપર તેર વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેમના નામે આશરે ૯,૭૫૦ કલાકનો ઉડ્ડયન અનુભવ નોંધાયેલો છે, જેમાં ૬,૪૦૦થી વધુ કલાક મુખ્ય પાઇલટ તરીકેના હોવાનું જણાવાયું છે.
બુધવાર, ૩૦ સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ઉડાન સંખ્યા એફઝેડ–૧૦૭૩ દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી ત્યારે કોકપિટમાં સહપાઇલટે સ્મિત મચ્છર ઉપર છરીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન વિમાન માત્ર અડધી મિનિટમાં આશરે ૧૪ હજાર ફૂટ નીચે ઊતરી જતાં ગેરકાયદે હસ્તક્ષેપ અને સામાન્ય કટોકટીના સંકેતો મોકલવામાં આવ્યા હતા.
ગંભીર રીતે ઘવાયેલા સ્મિત મચ્છરે પોતાની બાકી રહેલી શક્તિનો ઉપયોગ કરીને કોકપિટનો દરવાજો ખોલવાનો સંકેત આપ્યો હતો. ત્યારબાદ એક વિમાનકર્મી અને મુસાફરો કોકપિટમાં પ્રવેશ્યા તથા હુમલાખોરને કાબૂમાં લીધો હતો. વિમાનમાં હાજર અન્ય પાઇલટોએ નિયંત્રણ સંભાળી તેને સાઉદી અરેબિયાના તબૂક વિમાનમથકે સુરક્ષિત ઉતાર્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.
બંને પાઇલટોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હુમલાખોરને સાઉદી અધિકારીઓએ કસ્ટડીમાં લીધો હતો. હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ હોવાથી તેને આતંકી હુમલો, હાઇજેકિંગ કે આત્મઘાતી પ્રયાસ ગણાવતા દાવાઓને હાલ અંતિમ સત્ય માનવું યોગ્ય નથી.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
