News of Sunday, 3rd May 2026
દિલ્હીના વિવેક વિહારમાં એસીના શોર્ટ સર્કિટથી ભભૂકેલી આગે 9 જિંદગીઓ હોમી દીધી: નિયમોના ઉલ્લંઘન અને ખામીયુક્ત સિસ્ટમે સર્જી મોટી જાનહાનિ
ચાર માળની રહેણાંક ઇમારતમાં ઇમરજન્સી એક્ઝિટનો અભાવ અને છત પરના તાળાએ રહીશોના મોતનો છટકબારી બંધ કરી: માસૂમ બાળક સહિત એક જ પરિવારના સભ્યો કાળનો કોળિયો બન્યા, બચાવ કામગીરીમાં 15 લોકોનો જીવ બચાવાયો

નવી દિલ્હી :દેશની રાજધાની દિલ્હીના શાહદરા સ્થિત વિવેક વિહાર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક કાળઝાળ દુર્ઘટના સર્જાઈ હતી. બી-બ્લોકમાં આવેલી ચાર માળની રહેણાંક ઇમારતના ત્રીજા માળે એસીમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે આખી બિલ્ડિંગને લપેટમાં લઈ લીધી હતી, જેમાં 9 લોકોના ગૂંગળામણ અને દાઝી જવાથી કરુણ મોત નિપજ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે અંદાજે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને 15 જેટલા રહીશોને સીડીઓ દ્વારા સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જોકે ત્યાં સુધીમાં અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા હતા.
પોલીસની પ્રારંભિક તપાસમાં બિલ્ડિંગના નિર્માણમાં ગંભીર બેદરકારી અને નિયમોના સરેઆમ ઉલ્લંઘનનો પર્દાફાશ થયો છે. 800 યાર્ડના પ્લોટ પર બનેલી આ ઇમારતમાં દરેક માળે બે ફ્લેટ બનાવી દેવાયા હતા, જ્યારે નિયમ મુજબ માત્ર એક જ ફ્લેટની મંજૂરી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આટલી મોટી ઇમારતમાં બહાર નીકળવાનો માત્ર એક જ રસ્તો હતો અને ઇમરજન્સી એક્ઝિટની કોઈ સુવિધા નહોતી. જ્યારે આગ લાગી ત્યારે જીવ બચાવવા લોકો અગાસી તરફ દોડ્યા હતા, પરંતુ છતનો દરવાજો તાળું મારેલો હોવાથી લોકો ધુમાડાના ગોટા વચ્ચે ફસાઈ ગયા હતા, જે તેમના માટે જીવલેણ સાબિત થયું હતું.
આ ભીષણ આગમાં 60 વર્ષીય અરવિંદ જૈન, તેમના પત્ની, પુત્ર, પુત્રવધૂ અને માત્ર દોઢ વર્ષના માસૂમ પૌત્ર આકાશ સહિત પરિવારના અનેક સભ્યોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે અને સગા-સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી બિલ્ડિંગના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક વિસ્તારોમાં ધમધમતી આવી જોખમી ઇમારતો અને ફાયર સેફ્ટીના અભાવે ફરી એકવાર નિર્દોષ નાગરિકોના ભોગ લેવાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
