તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
અમદાવાદમાં આજે દિલજીત દોસાંઝના મેગા કોન્સર્ટમાં ૯૦ હજાર લોકો ઉમટવાની શક્યતા : પોલીસ તંત્ર સાબદું
બપોરે ૩ વાગ્યાથી મોટેરા સ્ટેડિયમ તરફના મુખ્ય માર્ગો બંધ : વાહનચાલકો માટે વૈકલ્પિક રસ્તા જાહેર : ૨ હજાર પોલીસકર્મીઓ, ૧,૫૦૦ ખાનગી સુરક્ષાકર્મીઓ અને એસઆરપીની ત્રણ કંપની તૈનાત : ૬૦૦ સીસીટીવીથી બાજનજર

અમદાવાદ, તા. ૨૧ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારા દિલજીત દોસાંઝના સંગીત કાર્યક્રમમાં અંદાજે ૯૦ હજાર લોકો હાજર રહેવાની શક્યતા છે. ૮૫ હજાર જેટલા દર્શકોના પ્રવેશ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. બપોરે ૩ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક રસ્તાઓ બંધ રહેશે. ભારે ભીડને પહોંચી વળવા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એસઆરપી અને તબીબી ટીમો સાથે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેટ્રો ટ્રેન રાત્રે ૧૧:૩૦ વાગ્યા સુધી દોડાવવાનો પણ નિર્ણય લેવાયો છે.
ગુજરાતના મેગા સિટીમાં આજે શનિવારે વિશ્વવિખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના લાઇવ સંગીત કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા 'રુપે ઓરા ઇન્ડિયા ટૂર-૨૦૨૬' અંતર્ગતના આ કાર્યક્રમમાં અંદાજે ૯૦ હજાર જેટલા સંગીતપ્રેમીઓ ઉમટી પડવાની શક્યતા છે. આટલી વિશાળ સંખ્યામાં લોકો એકસાથે સ્ટેડિયમ તરફ આવવાના હોવાથી અમદાવાદ શહેર પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક, સુરક્ષા, પાર્કિંગ, પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આવનારા દર્શકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આશરે ૮૫ હજાર દર્શકોના પ્રવેશ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમમાં પ્રવેશ માટે અલગ અલગ શ્રેણીના ટિકિટધારકોને નિર્ધારિત દરવાજાનો ઉપયોગ કરવાનો રહેશે. દર્શકો એકસાથે ભેગા થઈ ન જાય તે માટે સ્ટેડિયમના જુદા જુદા વિભાગોને અલગ રાખવામાં આવ્યા છે. સ્ટેડિયમના પ્રવેશદ્વાર બપોરે ૩ વાગ્યે ખોલવાનું આયોજન છે અને કાર્યક્રમ રાત્રે આશરે ૯:૫૫ વાગ્યે પૂર્ણ થવાની ધારણા છે.
બપોરે ૩ વાગ્યાથી મુખ્ય માર્ગો ઉપર વાહનવ્યવહાર બંધ
પોલીસ કમિશનરે બહાર પાડેલા ટ્રાફિક જાહેરનામા મુજબ આજે બપોરે ૩ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મોટેરા સ્ટેડિયમની આસપાસના કેટલાક મુખ્ય માર્ગો ઉપર સામાન્ય વાહનોની અવરજવર પ્રતિબંધિત રહેશે. ખાસ કરીને જનપથ ટી જંક્શનથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર થઈ કૃપા રેસિડેન્સી ટી જંક્શન અને ત્યાંથી મોટેરા ગામ ટી જંક્શન સુધીનો માર્ગ બંને દિશામાં બંધ રહેશે. વાહનોની ભીડ, અકસ્માત અને ટ્રાફિક જામની શક્યતા ઘટાડવા આ નિર્ણય લેવાયો છે.
વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો પણ નક્કી કરવામાં આવ્યા છે. તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા, વિસત જંક્શન, જનપથ ટી જંક્શન અને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલ તરફ જઈ શકાશે. તેવી જ રીતે કૃપા રેસિડેન્સી ટી જંક્શનથી શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જોકે કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો, ફરજ ઉપરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા અસરગ્રસ્ત વિસ્તારના સ્થાનિક રહીશોને નિયત શરતો હેઠળ છૂટ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે.
સુરક્ષાનો અભેદ્ય કિલ્લો : ૬૦૦ કેમેરાથી સતત દેખરેખ
આટલી મોટી સંખ્યામાં લોકોની હાજરીને ધ્યાનમાં રાખીને આશરે ૨ હજાર પોલીસકર્મીઓ અને આયોજકો તરફથી ૧,૫૦૦ ખાનગી સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્ય અનામત પોલીસ દળની ત્રણ કંપનીઓ પણ તૈનાત કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોમ્બ શોધક અને નિષ્ક્રિયકરણ ટુકડી તથા ડોગ સ્ક્વોડને પણ સતર્ક રાખવામાં આવ્યા છે.
પોલીસ તરફથી ૩૦૦થી વધુ સીસીટીવી કેમેરા અને આયોજકો તરફથી આશરે ૩૦૦ વધારાના કેમેરા મળીને અંદાજે ૬૦૦ કેમેરાથી સ્ટેડિયમ તથા આસપાસના વિસ્તારમાં દેખરેખ રાખવામાં આવશે. પોલીસકર્મીઓ સાદા વેશમાં પણ દર્શકો વચ્ચે હાજર રહેશે. પ્રવેશદ્વારો ઉપર મેટલ ડિટેક્ટર અને ડોરફ્રેમ મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા રહેશે. દર્શકોની ચકાસણી કર્યા બાદ જ તેમને અંદર જવા દેવામાં આવશે.
કોઈ અનિચ્છનીય બનાવ કે દોડધામની સ્થિતિ ઊભી ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. તાત્કાલિક સૂચનાઓ પહોંચાડવા આશરે ૫૦ જાહેર ઉદ્ઘોષણા પ્રણાલીની વ્યવસ્થા કરવામાં આવી છે. તબીબી કટોકટી માટે આઠ એમ્બ્યુલન્સ, પાંચ મેડિકલ ટીમ અને બે હંગામી તબીબી કેન્દ્રોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નશીલા પદાર્થોના સેવન બાદ કાર્યક્રમમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે તેવી પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
મેટ્રો ટ્રેન રાત્રે ૧૧:૩૦ સુધી દોડશે : ખાસ ૫૦ રૂપિયાની ટિકિટ
આજે હજારો લોકો એકસાથે કાર્યક્રમમાંથી બહાર નીકળશે ત્યારે વાહનવ્યવહાર ઉપર ભારે દબાણ સર્જાઈ શકે છે. તેથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને અમદાવાદ અને ગાંધીનગરના મેટ્રો કોરિડોરમાં ટ્રેન સેવા રાત્રે ૧૧:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મુસાફરોને પરત જવા માટે ૫૦ રૂપિયાની ખાસ પેપર ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગાંધીનગર કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર તરફ રાત્રે ૧૦:૩૦, ૧૧ અને ૧૧:૩૦ વાગ્યે ત્રણ વધારાની ટ્રિપ દોડાવવામાં આવશે. રાત્રે ૧૧ વાગ્યા પછી વિસ્તૃત સમયની સેવામાં પ્રવેશ માટે ખાસ ૫૦ રૂપિયાની ટિકિટ જ માન્ય રહેશે.
પોલીસે કાર્યક્રમમાં આવનારા લોકોને શક્ય હોય ત્યાં સુધી ખાનગી વાહનોના બદલે મેટ્રોનો ઉપયોગ કરવા, પોતાની ટિકિટમાં દર્શાવેલા પ્રવેશદ્વાર ઉપર પહોંચવા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉતાવળ કર્યા વગર વ્યવસ્થિત રીતે બહાર નીકળવા અપીલ કરી છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
