<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

એકભિખારી દરરોજ લગભગ ૧૦૦થી ૫૦૦ રૂપિયા સુધી કમાઈ શકે છે

દિલ્‍હી, મુંબઈ, કોલકાતા અને લખનઉમાં ભિખારીઓ દરરોજ ૫૦૦થી ૧,૦૦૦ રૂપિયા સુધી પણ કમાઈ લે છે ભારતમાં સૌથી વધુ ભિખારીઓ પશ્ચિમિ બંગાળમાં જોવા મળે છેઃ બીજા સ્‍થાને ઉત્તર પ્રદેશ આવે છે

નવી દિલ્‍હી તા.૧૬: તમે કદાચ ક્‍યારેક ને ક્‍યારેક મંદિરોની બહાર, રેલવે સ્‍ટેશન પર, બસ સ્‍ટેન્‍ડ કે પછી કોઈ ટ્રાફિક સિગ્નલ પર લોકોને ભીખ માંગતા જરૂર જોયા હશે. કોઈ હાથમાં વાટકો લઈને ઊભું હોય છે, તો કોઈ વૃદ્ધ વ્‍યક્‍તિ સહાય માટે મદદ માંગી રહ્યો હોય છે. ઘણીવાર મહિલાઓ નાના બાળકોને ખોળામાં લઈને ભીડ પાસેથી મદદની આશા રાખતી જોવા મળે છે. આ દ્રશ્‍ય માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ દુનિયાના ઘણા દેશોમાં આવું જોવા મળે છે. પરંતુ જ્‍યારે આપણે આપણા દેશની વાત કરીએ છીએ, ત્‍યારે મનમાં અવારનવાર એ સવાલ થાય છે કે, આખરે ભારતમાં સૌથી વધુ ભિખારીઓ કયા રાજ્‍યમાં જોવા મળે છે અને, તેઓ પોતાનું જીવન ચલાવવા માટે કેટલી કમાણી કરી લે છે. શું આ માત્ર ગરીબીનું પરિણામ છે કે, તેની પાછળ અન્‍ય ઘણા કારણો છુપાયેલા છે? ચાલો આ આખી સત્‍યતાને સરળ અને સ્‍પષ્ટ ભાષામાં સમજીએ, જેથી આ મુદ્દાનું અસલી ચિત્ર સામે આવી શકે.

ભારતમાં ભિખારીઓને લઈને જે સૌથી વિશ્વસનીય અને સત્તાવાર આંકડો માનવામાં આવે છે, તે ૨૦૧૧ની વસ્‍તી ગણતરીમાંથી મળે છે. આ વસ્‍તી ગણતરી મુજબ દેશમાં ભિખારીઓની કુલ સંખ્‍યા ૪,૧૩,૬૭૦ હતી. જેમાં ૨,૨૧,૬૭૩ પુરુષો અને ૧,૯૧,૯૯૭ મહિલાઓ સામેલ હતી. જોકે આ આંકડો હવે ઘણો જૂનો થઈ ગયો છે, તેમ છતાં આજે પણ તેને જ એક સત્તાવાર આધાર માનવામાં આવે છે, કારણ કે ત્‍યારબાદ આ વિષય પર કોઈ મોટી રાષ્ટ્રીય વસ્‍તી ગણતરી કરવામાં આવી નથી.

ભારતમાં સૌથી વધુ ભિખારીઓ પヘમિ બંગાળમાં જોવા મળે છે. અહીં ભિખારીઓની કુલ સંખ્‍યા આશરે ૮૧,૨૪૪ જણાવવામાં આવી છે, જે આખા દેશમાં સૌથી વધુ છે. ત્‍યારબાદ બીજા સ્‍થાને ઉત્તર પ્રદેશ આવે છે, જ્‍યાં આશરે ૬૫,૮૩૫ ભિખારીઓ નોંધાયા હતા. ત્રીજા સ્‍થાને આંધ્રપ્રદેશ છે, જ્‍યાં લગભગ ૩૦,૨૧૮ ભિખારીઓ જોવા મળ્‍યા. જો આગળના રાજ્‍યોની વાત કરીએ તો, સ્‍થિતિ કંઈક આ મુજબ છેઃ બિહારમાં લગભગ ૨૯,૭૨૩ ભિખારીઓ જોવા મળે છે, જે દેશમાં ચોથા સ્‍થાને આવે છે. ત્‍યારબાદ મધ્‍ય પ્રદેશનો નંબર આવે છે, જ્‍યાં આશરે ૨૮,૬૯૫ ભિખારીઓ નોંધાયા છે અને આ રાજ્‍ય પાંચમા સ્‍થાને છે. વળી, રાજસ્‍થાનમાં લગભગ ૨૫,૮૫૩ ભિખારીઓ જોવા મળે છે, જેનાથી આ રાજ્‍ય છઠ્ઠા સ્‍થાને આવે છે. આ આંકડા સ્‍પષ્ટપણે જણાવે છે કે, ભિક્ષાવૃત્તિ માત્ર કોઈ એક રાજ્‍યની સમસ્‍યા નથી, પરંતુ તે દેશના ઘણા ભાગોમાં ફેલાયેલો એક ગંભીર સામાજિક મુદ્દો છે.

ભિખારીઓની આવકનો કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્‍ધ નથી, કારણ કે તે પૂરી રીતે જગ્‍યા, શહેર અને ત્‍યાં મળતી ભીડ પર નિર્ભર કરે છે. તેમ છતાં અંદાજ મુજબ એક સામાન્‍ય ભિખારી દરરોજ લગભગ ૧૦૦થી ૫૦૦ રૂપિયા સુધી કમાઈ શકે છે, જેનાથી તેની મહિનાની કમાણી આશરે ૩,૦૦૦થી ૧૫,૦૦૦ રૂપિયાની વચ્‍ચે થઈ જાય છે. વળી, મોટા શહેરો જેવા કે દિલ્‍હી, મુંબઈ, કોલકાતા અને લખનઉમાં આ કમાણી હજુ પણ વધારે હોઈ શકે છે. આ શહેરોમાં કેટલાક ભિખારીઓ દરરોજ ૫૦૦થી ૧,૦૦૦ રૂપિયા સુધી પણ કમાઈ લે છે, જેનાથી તેમની મહિનાની કમાણી લગભગ ૧૫,૦૦૦થી ૩૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે.

(3:57 PM IST)