News of Saturday, 17th October 2026
સાઉથ સિનેમા અને બિઝનેસ જગતનો મોટો ધમાકો: કાવ્યા મારન અને અનિરૂદ્ધ રવિચંદર ટૂંક સમયમાં પ્રભુતામાં પગલાં પાડશે
૨૧ નવેમ્બરે ચેન્નાઈમાં યોજાશે ભવ્ય રિસેપ્શન; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, તમિલનાડુના સીએમ વિજય અને એમ.કે. સ્ટોલિન સહિતના દિગ્ગજોને મોકલાયા નિમંત્રણ પત્રિકા

ચેન્નાઈ :દક્ષિણ ભારતીય મનોરંજન જગત અને કોર્પોરેટ વર્લ્ડમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાઓ અને અફવાઓ પર આખરે વિરામ મુકાયો છે. આઈપીએલ (IPL) ફ્રેન્ચાઇઝી 'સનરાઇઝર્સ હૈદરાબાદ'ના માલિક અને પ્રખ્યાત ઉદ્યોગપતિ કાવ્યા મારન તથા સાઉથ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના રોકસ્ટાર મ્યુઝિક કંપોઝર અનિરૂદ્ધ રવિચંદરના લગ્નની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.
સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારન અને તેમના ધર્મપત્ની કાવેરી મારન દ્વારા આ હાઇ-પ્રોફાઇલ લગ્નનું ભવ્ય રિસેપ્શન આવતી ૨૧ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ ચેન્નાઈની પ્રખ્યાત 'આઈટીસી ગ્રાન્ડ ચોલા' (ITC Grand Chola) હોટેલમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
દિગ્ગજ નેતાઓને ખાસ રૂબરૂ નિમંત્રણ
આ ભવ્ય પ્રસંગ માટે મારન પરિવારે દેશના રાજકીય અને સામાજિક ક્ષેત્રની ટોચની હસ્તીઓને નિમંત્રિત કરવાનો પ્રારંભ કરી દીધો છે:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી: કલાનિધિ મારન અને તેમની પત્નીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરીને તેમને રિસેપ્શન માટે ખાસ નિમંત્રણ આપ્યું છે.
તમિલનાડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી: તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય (થલપતિ વિજય) તથા તેલંગાણાના સીએમ એ. રેવંત રેડ્ડીને પણ રૂબરૂ મળીને પત્રિકા પાઠવવામાં આવી છે. તેલંગાણા સીએમઓ (CMO) દ્વારા આ મુલાકાત અને લગ્નની જાહેરાત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.
ડીએમકે વડા એમ.કે. સ્ટોલિન: તમિલનાડુના પૂર્વ સીએમ અને ડીએમકે વડા એમ.કે. સ્ટોલિન (જેઓ સંબંધમાં કાવ્યા મારનના દાદા થાય છે) દ્વારા જાહેર કરાયેલી ખાસ નિમંત્રણ પત્રિકા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે પોતાની વહાલી પૌત્રીના લગ્ન પ્રસંગે સૌના આશીર્વાદ માંગ્યા છે.
ગ્રીસમાં યોજાશે ખાનગી ડેસ્ટિનેશન વેડિંગ?
રિસેપ્શનની તારીખ ૨૧ નવેમ્બર નક્કી થઈ છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નનો મુખ્ય સમારોહ ૧૧ નવેમ્બર ના રોજ યુરોપના સુંદર દેશ ગ્રીસ (Greece) માં યોજાઈ શકે છે. આ લગ્ન સમારોહ અત્યંત ખાનગી રહેશે, જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે.
અફવાઓથી સગાઈ અને લગ્ન સુધીની સફર
વર્ષ ૨૦૨૫થી જ કાવ્યા મારન અને અનિરૂદ્ધ રવિચંદર વચ્ચે અફેર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, તે સમયે અનિરૂદ્ધે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ વાતોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધી હતી. પરંતુ તાજેતરમાં પરિવારો વચ્ચે વાતચીત વધતાં અને હવે સત્તાવાર કંકોત્રીઓ વહેંચાવાની શરૂઆત થતાં આ હાઈ-પ્રોફાઈલ જોડીના લગ્ન પર સીલ વાગી ગયું છે.
કાવ્યા મારન પોતાની આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ક્રિકેટ મેદાન પરના ઉત્સાહ માટે દેશભરમાં જાણીતા છે, જ્યારે અનિરૂદ્ધ રવિચંદર 'કોલાવેરી ડી', 'જેલર', 'જવાન' અને 'માસ્ટર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાના સંગીતથી દેશ-વિદેશમાં ક્રેઝ ઊભો કરી ચૂક્યા છે. હવે આ બંને ક્ષેત્રોનો સંગમ એક ભવ્ય લગ્ન ઉત્સવના રૂપમાં જોવા મળશે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
