News of Tuesday, 10th November 2026
અલ્લાહાબાદ હાઈકોર્ટના નામે બનાવટી આદેશ બનાવી ૯૫ વેબસાઈટ બંધ કરાવવાનું મોટું કૌભાંડ: અજાણ્યા શખ્સ સામે એફઆઈઆર દાખલ
ન્યાયાધીશ અને રજિસ્ટ્રારના નામે નકલી હુકમ તૈયાર કરી ઈમેલ મારફતે મોકલવામાં આવતા સાયબર સેલ અને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ

પ્રયાગરાજ : અલ્લાહાબાદ હાઈકોર્ટના નામે કથિત રીતે બનાવટી અને નકલી ન્યાયિક આદેશ તૈયાર કરીને કુલ ૯૫ જેટલી મહત્વપૂર્ણ વેબસાઇટોને બ્લોક કે બંધ કરાવવાનો ગંભીર અને ચોંકાવનારો પ્રયાસ સામે આવતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હાઈકોર્ટના સંયુક્ત રજિસ્ટ્રાર એન. ચંદ્રા દ્વારા આપવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે પ્રયાગરાજ સ્થિત કેંટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
સમગ્ર પ્રકરણની વિગત મુજબ, ૩૦ ઓક્ટોબરે એક સમાચાર એજન્સીના પત્રકારને ઈમેલ દ્વારા હાઈકોર્ટનો કથિત આદેશ મોકલાયો હતો, જેમાં ૧૪ ઓગસ્ટની તારીખ દર્શાવીને ન્યાયમૂર્તિ ગરિમા પ્રસાદના હસ્તે ૯૫ વેબસાઈટ બ્લોક કરવાનો સરકારી નિર્દેશ હોવાનું જણાવાયું હતું.
બાદમાં હાઈકોર્ટના આંતરિક રેકોર્ડ અને સિસ્ટમ મેનેજરની તપાસમાં આ આદેશ સંપૂર્ણપણે બનાવટી હોવાનું સાબિત થયું હતું, કારણ કે સર્વરમાં આ નામની કોઈ રિટ પિટિશન કે આદેશ અસ્તિત્વમાં જ ન હતો તેમજ સંબંધિત ન્યાયાધીશ દ્વારા પણ આવો કોઈ હુકમ અપાયો ન હોવાની સ્પષ્ટતા કરાઈ હતી.
મુખ્ય ન્યાયાધીશના નિર્દેશ અને રજિસ્ટ્રાર જનરલના આદેશ બાદ ૫ નવેમ્બરે કેંટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ડીસીપી સિટી ઝોન સાગર જૈનના જણાવ્યા મુજબ સાયબર ટીમની મદદથી આ કાવતરા પાછળ સંડોવાયેલા મુખ્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આગામી સમયમાં સાયબર ક્રાઈમ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આ બનાવટી દસ્તાવેજ બનાવી તેનો દુરુપયોગ કરનાર શખ્સો સામે કાયદાકીય પકડ મજબૂત કરીને સખતમાં સખત શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી પૂરી સંભાવના છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
