<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

પન્નામાં કાળમુખો કૂવો ધસી પડ્યો: ખોદકામ દરમિયાન એક જ પરિવારના પાંચ મજૂરોના કાટમાળ નીચે દટાઈ જવાથી મોત

મધ્યપ્રદેશના બિહારપુરવા ગામમાં ૧૦ દિવસથી ચાલી રહેલા કૂવાના બાંધકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ

પન્ના:  મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં  એક હૃદયદ્રાવક અકસ્માતમાં પાંચ શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે. અજયગઢ તહસીલના બિહારપુરવા ગ્રામ પંચાયત અંતર્ગત નયાપુરવા વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી એક કૂવાનું ખોદકામ ચાલી રહ્યું હતું. સવારે અંદાજે જ્યારે મજૂરો ઊંડા કૂવાની અંદર કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ કૂવાની ભીની માટી અને પથ્થરોનો મોટો હિસ્સો ધસી પડ્યો હતો. આ દુર્ઘટના એટલી ઝડપે થઈ કે અંદર રહેલા મજૂરોને બહાર નીકળવાની તક પણ ન મળી અને તેઓ કાટમાળના ગંજ નીચે જીવતા દટાઈ ગયા હતા.

આ ઘટના પાછળ કુદરતી આકસ્મિકતા સાથે નસીબના ખેલની પણ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. કૂવા પર કુલ સાત શ્રમિકો કામ કરી રહ્યા હતા, જેમાંથી બે મજૂરો અકસ્માતના થોડા સમય પહેલા જ પાણી પીવા માટે કૂવાની બહાર ઉપર આવ્યા હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો. કૂવો તૂટી પડતાં જ ઘટનાસ્થળે ચીસાચીસ અને હોબાળો મચી ગયો હતો. અવાજ સાંભળીને દોડી આવેલા સ્થાનિક ગ્રામજનોની મદદથી વહીવટીતંત્ર અને પોલીસે જેસીબી  મશીનો વડે તાત્કાલિક ભારે કાટમાળ હટાવવાની અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ પાંચેય મૃતકો એક જ યાદવ પરિવારના સભ્યો હતા, જેમાં ચુન્નુ યાદવ, રાજકુમાર યાદવ અને આશિષ યાદવ સામેલ છે. પન્ના જિલ્લા જનસંપર્ક અધિકારી દેવેન્દ્ર સિંહે અકસ્માતની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે કૂવામાંથી અત્યાર સુધીમાં તમામ શ્રમિકોના મૃતદેહ બહાર કાઢી લેવાયા છે. એક જ ઘરના પાંચ કમાતા સભ્યો ગુમાવતાં સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે, જ્યારે સ્થાનિક વહીવટીતંત્રે પીડિત પરિવારને તાત્કાલિક આર્થિક સહાય આપવાની જાહેરાત કરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(7:23 PM IST)