<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

દક્ષિણ નાઇજીરીયામાં અંતિમ સંસ્કાર માટે જઈ રહેલા મુસાફરોની બોટ પલટી જતાં 24 લોકોના કરુણ મોત

પાણીમાંથી 24 મૃતદેહો બહાર કઢાયા અને બચાવ કામગીરી યથાવત, રાજ્ય સરકારે લાઇફ જેકેટ વિના મુસાફરી બંધ કરવાની કરી કડક અપીલ

બાયેલ્સા : દક્ષિણ નાઇજીરીયામાં બોટ પલટી જતાં 24 લોકોના મોત થયા છે. બચાવ ટીમોએ પાણીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા છે. એવું બહાર આવ્યું છે કે આ દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ લોકો અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા હતા, પરંતુ અધવચ્ચે જ આ કરુણ અકસ્માત સર્જાતા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

AFPના અહેવાલ મુજબ, નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) ના પ્રવક્તા માંજો એઝેકીલએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં, ઘટનાસ્થળેથી 24 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે શોધ અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે." પાણીમાં હજુ પણ અન્ય લોકો લાપતા હોવાની આશંકાએ બચાવ ટીમો સતત તપાસ ચલાવી રહી છે.

બાયેલ્સા રાજ્ય સરકારે બોટ સંચાલકો અને મુસાફરોને ભવિષ્યમાં થતા અકસ્માતોને રોકવા માટે સલામતીના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. બાયેલ્સા માહિતી કમિશનર અબિયુવો કોકુ-ઓબાઇએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભીડભાડ, ગતિ, બેદરકારી અને લાઇફ જેકેટ વિના મુસાફરી બંધ કરવી જોઈએ." કોઈપણ મુસાફરી માટે કોઈનો જીવ ગુમાવવો યોગ્ય નથી.

નાઇજીરીયાના જળમાર્ગો પર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવા અને સુરક્ષા સાધનોના અભાવને કારણે અગાઉ પણ અનેક જીવલેણ બોટ અકસ્માતો સર્જાયા છે. હાલમાં સ્થાનિક પ્રશાસન દ્વારા આ દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં જળ પરિવહનના નિયમોનો કડક અમલ કરાવવા તેમજ બેદરકાર બોટ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

(10:57 AM IST)