તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
સતત ૩ મહિના દેખાશે સુપરમૂન, ૨૪ ડિસેમ્બરે સૌથી મોટો-સૌથી તેજસ્વી ચંદ્ર
ખગોળ પ્રેમીઓ માટે આગામી દિવસોમાં એક દુર્લભ અને અદ્ભુત ખગોળીય ઘટનાનો નજારો : ૨૪મી ડિસેમ્બરે પૂર્ણિમા હશે અને ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હશે, તેના કારણે ચંદ્ર સામાન્ય કરતા વધુ મોટો, વધુ ગોળ અને વધુ ચમકદાર દેખાશે

મુંબઈ,તા.૨૧: ખગોળ પ્રેમીઆને આગામી દિવસોમાં એક દુર્લભ અને અદભૂત ખગોળીય ઘટનાનો રોમાંચ માણવાની જતક મળશે. સળંગ ત્રણ મહિના સુધી આકાશમાં સુપરમૂન દેખાશે. આમાં પણ સૌથી ખાસ દિવસ હશે ૨૪ ડિસેમ્બર. તે દિવસે પૂર્ણિમા હશે અને ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકના બિદુ પર હશે. તેના કારણે ચંદ્ર સામાન્ય કરતા વધુ મોટો, વધુ ગોળ અને વધુ ચમકદાર દેખાશે.
સામાન્ય ભાષામાં સમજીએ તો ચંદ્ર પૃથ્વીની આસપાસ ગોળ નહીં પણ લંબગોળ કક્ષામાં ફરે છે. ક્યારેક તે પૃથ્વીથી દૂર હોય છે અને ક્યારેક ખૂબ નજીક આવી જાય છે. જ્યારે પૂર્ણ ચંદ્ર પોતાની કક્ષામાં પૃથ્વીની સૌથી નજીકના બિદુ એટલે કે પેરીજી પર હોય છે, ત્યારે તેને સુપરમૂન કહેવામાં આવે છે.
આ સમયે ચંદ્ર સામાન્ય પૂર્ણિમા કરતા લગભગ ૧૪% વધુ મોટો અને ૩૦% વધુ તેજસ્વી દેખાય છે. આ ફરક નરી આંખે પણ સ્પષ્ટ જોઈ શકાય છે. ખાસ કરીને જયારે ચંદ્ર ક્ષિતિજ પાસે હોય ત્યારે તે વધુ મોટો લાગે છે, જેને મૂન ઈલ્યુઝન કહેવામાં આવે છે.
ખગોળશાસ્ત્રીઓના મતે આ દરમિયાન ચંદ્રને જોવા માટે કોઈ ખાસ સાધનની જરૂર નથી. નરી આંખે પણ આ નજારો માણી શકાશે. જોકે બાયનોક્યુલર કે ટેલિસ્કોપ હોય તો ચંદ્રના ખાડાઓ અને સપાટી વધુ સ્પષ્ટ દેખાશે.
૨૪ ડિસેમ્બરે વર્ષનો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે
૨૪ ડિસેમ્બરે સાંજે ચંદ્રોદય સમયે જ ચંદ્ર ખૂબ મોટો દેખાશે. રાત્રે જેમ જેમ ચંદ્ર ઉપર આવશે તેમ તેમ તેની ચમક વધતી જશે. જો તે રાત્રે આકાશ સ્વચ્છ હશે અને વાદળ નહીં હોય તો ચંદ્રનો અદભુત નજારો જોવા મળશે. ખગોળશાષીઓએ લોકોને અપીલ કરી છે કે આ અવસરને જોવાનું ચુકશો નહીં. શહેરમાં વિજળીની લાઇટોના ઝગમગાટ અને પ્રદૂષણથી દૂર ખુલ્લા મેદાન, નદી કિનારે કે અગાસી પરથી આ નજારો સૌથી સારી રીતે જોઈ શકાશે. ખગોળશાસ્ત્રીના જણાવ્યા અનુસાર સુપરમૂનથી સમુદ્રમાં ભરતી થોડી વધુ આવે છે, પરંતુ તેનાથી કોઈ મોટી કુદરતી આફત આવતી નથી. એટલે લોકોએ ડરવાની જરૂર નથી.
ત્રણ મહિના સુધી સતત સુપરમૂન કેમ ખાસ છે?
સામાન્ય રીતે વર્ષમાં ૩-૪ વખત સુપરમૂન જોવા મળે છે. પરંતુ સળંગ ત્રણ મહિના સુધી દરેક પુર્ણિમાએ સુપરમૂન જોવા મળવો એ દુર્લભ ઘટના છે. આ વખતે ત્રણેય પૂર્ણિમાએ ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક હશે. તેના કારણે ત્રણેય વખત ચંદ્ર મોટો અને તેજસ્વી દેખાશે, પરંતુ ૨૪ ડિસેમ્બરનો સુપરમુન સૌથી નજીકનો હશે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
