News of Tuesday, 23rd June 2026
આકાશમાં ભભૂકી મોતના તાંડવની આગ: બ્રાઝિલમાં હોટ એર બલૂન હવામાં જ સળગતાં ૮ પ્રવાસીઓના મોત, કાળજું કંપાવી દેનારો વીડિયો વાયરલ!
૨૧ મુસાફરો સાથે હવામાં સવાર બલૂનની ટોપલીમાં અચાનક ભડકો થયો; જીવ બચાવવા પ્રવાસીઓએ નીચે કૂદકો માર્યો, પાઇલટ સહિત ૧૩ લોકોનો આબાદ બચાવ, સમગ્ર દેશ શોકમાં ગરકાવ

બ્રાઝિલિયા : દક્ષિણ બ્રાઝિલના અત્યંત લોકપ્રિય પ્રવાસી મથક સાન્ટા કેટારિના રાજ્યના પ્રેયા ગ્રાન્ડે નજીક શનિવારે એક હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી હોરર ઘટના સામે આવી છે. આકાશમાં મનોહર ખીણોની રોમાંચક સવારી માણી રહેલા એક સુંદર ગરમ હવાના બલૂન (Hot Air Balloon) માં હવામાં જ અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આ ભીષણ અકસ્માતમાં ૮ પ્રવાસીઓ જીવતા ભૂંજાઈ જતાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર દેશમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માત સમયે આ બલૂન પર પાઇલટ સહિત કુલ ૨૧ પ્રવાસીઓ સવાર હતા, જેમાંથી ૧૩ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમનો આબાદ બચાવ થયો છે.
પ્રાથમિક તપાસ અને બચી ગયેલા લોકોના જણાવ્યા અનુસાર, ઉડાન દરમિયાન અચાનક બલૂનની નીચે આવેલી ટોપલી (Basket) માં ગેસ લિકેજ કે અન્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગ જોઈને પાઇલટે અદ્ભુત હિંમત અને સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બલૂનને નીચે ઉતારવાનો (લેન્ડ કરવાનો) પ્રયાસ કર્યો હતો. બલૂન જમીનની નજીક પહોંચતા જ પાઇલટે મુસાફરોને જીવ બચાવવા માટે નીચે કૂદી પડવાની સૂચના આપી હતી. આ કટોકટીની ક્ષણોમાં ૧૩ પ્રવાસીઓ નીચે કૂદીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે અન્ય લોકો અંદર જ ફસાઈ ગયા હતા. એક વિચિત્ર પરિસ્થિતિ એ સર્જાઈ કે કેટલાક મુસાફરો બહાર નીકળી જતાં બલૂનનું વજન હળવું થઈ ગયું અને તે કાબૂ બહાર જઈને ફરીથી હવામાં ઉપર ચઢી ગયું, જ્યાં આખરે લિફ્ટ ગુમાવીને તે જોરદાર ધડાકા સાથે ક્રેશ થઈ ગયું હતું.
સ્થાનિક પોલીસ અને કટોકટીની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તમામ મૃતદેહો બહાર કાઢ્યા છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં બે પ્રેમી યુગલો, એક કમનસીબ માતા-પુત્રી, એક જાણીતા નેત્ર ચિકિત્સક અને એક ફિગર સ્કેટરનો સમાવેશ થાય છે. સાન્ટા કેટરીનાના ગવર્નર જોર્ગિન્હો મેલો અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી છે. બ્રાઝિલની રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન એજન્સીએ આ ગંભીર અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે, જેના કારણે બ્રાઝિલના એડવેન્ચર ટુરિઝમ ઉદ્યોગની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
