News of Wednesday, 15th April 2026
મુંબઈના કલ્યાણ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બહાર જ તલ્લાકના વિવાદમાં વહુ અને તેના ભાઈ પર ઘાતક હુમલો
કલ્યાણના વાલ્ધુની વિસ્તારના તનવીર ખાન અને તેની પત્ની રુખસાર ખાન વચ્ચે તલાક બાબતે વિવાદ:ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે રુખસાર પોતાના ભાઈ સાથે ફરિયાદ નોંધાવવા માટે મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશન પહોંચી:સાસરીયા પક્ષના સભ્યોએ પોલીસ સ્ટેશનના દરવાજા પાસે જ તેમને ઘેરી લીધા અને હુમલો કર્યો

મુંબઈના કલ્યાણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક હિંસક ઘટના પ્રકાશમાં આવી છે. તલાકના વિવાદમાં ઉશ્કેરાયેલા સાસરી પક્ષે મર્યાદા ઓળંગીને પોલીસ સ્ટેશનની બહાર જ વહુ અને તેના ભાઈ પર ઘાતક હુમલો કરી દીધો હતો. ધોળા દિવસે થયેલા આ ચપ્પુ અને પથ્થરમારામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
કલ્યાણના વાલ્ધુની વિસ્તારમાં રહેતા તનવીર ખાન અને તેની પત્ની રુખસાર ખાન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી તલાક બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે રુખસાર પોતાના ભાઈ સાથે ફરિયાદ નોંધાવવા માટે મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે, ન્યાય મળે તે પહેલા જ પીછો કરી રહેલા સાસરી પક્ષના સભ્યોએ પોલીસ સ્ટેશનના દરવાજા પાસે જ તેમને ઘેરી લીધા હતા અને હિંસક હુમલો શરૂ કરી દીધો હતો.
આરોપીઓમાં પતિ તનવીર ખાન, સસરા ફરીદ ખાન, દિયર સદ્દામ અને નણંદ શબનમ શેખનો સમાવેશ થાય છે. આ ટોળાએ રુખસાર અને તેના ભાઈ પર ચપ્પુના ઘા ઝીંક્યા હતા અને પથ્થરો વડે માર માર્યો હતો. અચાનક થયેલા આ હુમલામાં બંને ભાઈ-બહેન લોહીલુહાણ થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક બનેલી આ ઘટનાથી પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી તનવીર ખાન (28) અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે અને તે એક રીઢો ગુનેગાર છે. પત્ની પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે જ તે પોતાના પરિવાર સાથે હથિયારો લઈને આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકઠા કર્યા છે અને આરોપીઓની ગુનાહિત માનસિકતાને જોતા કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
મહાત્મા ફૂલે પોલીસે આ મામલે તનવીર ખાન, સદ્દામ ખાન, ફરીદ ખાન અને શબનમ વિરુદ્ધ આઈપીસીની કલમ 326 (ઘાતક હથિયારોથી ગંભીર ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે મુખ્ય આરોપી તનવીરની ધરપકડ કરી લીધી છે, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. પોલીસ સ્ટેશનની સુરક્ષા વચ્ચે બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
