News of Wednesday, 26th August 2026
હોસ્પિટલમાંથી ૪ લાખના ઘરેણાં ભરેલો થેલો ઉપાડી ગયો શ્વાન
પોલીસે CCTV ચેક કરતા ખુલ્યું રહસ્ય

મંદસૌર તા.૨૬: મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લા હોસ્પિટલમાં ચોરીની એક ઘટનાએ પોલીસને ગોથે ચડાવી દીધી હતી. આશરે ૪ લાખ રૂપિયાના ઘરેણાંથી ભરેલો થેલો ગાયબ થયા પછી પોલીસે ચોરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. ચોરીની ફરિયાદ નોંધાઈ, તપાસ શરૂ થઈ અને સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને જ્યારે ફૂટેજ સામે આવ્યા તો આખી હકીકત અલગ જ નીકળી. જે ચોરને પોલીસ શોધી રહી હતી, તે કોઈ માણસ નહીં પરંતુ એક શ્વાન નીકળ્યો. ઘ્ઘ્વ્સ્માં એક શ્વાન પોતાના મોંમાં થેલો દબાવીને બહાર જતો જોવા મળે છે. જો કે સદભાગ્યે આ બેગ હોસ્પિટલના પરિસરમાંથી જ મળી આવી હતી અને તેમાં રાખેલા ઘરેણાં અને રોકડ સુરક્ષિત હતી.
સમગ્ર ઘટના મંદસૌર જિલ્લા હોસ્પિટલના સર્જિકલ વોર્ડની છે. મળતી માહિતી અનુસાર કયામપુરની રહેવાસી લતાબાઈ વાલ્મીકિ પોતાના દીકરાની સારવાર માટે હોસ્પિટલ આવી હતી. તેના દીકરાના હાથમાં ઈજા થતાં તેની સારવાર ચાલી રહી હતી. લતાબાઈ પોતાની સાથે એક બેગ પણ લઈ આવી હતી. જેમાં સોના ચાંદીના ઘરેણાં અને કેટલાક રોકડા રૂપિયા હતા. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવાર અને સોમવારની રાતે આશરે ૧ થી ૬ વાગ્યા વચ્ચે અચાનક તેનો થેલો ગાયબ થઈ ગયો હતો. લતાબાઈના જણાવ્યા અનુસાર બેગમાં સોના અને ચાંદીના ઘરેણાં ઉપરાંત ૨ હજાર રૂપિયા રોકડા રાખેલા હતા. ઘરેણાં અને રોકડની કુલ કિમત ૪ લાખ રૂપિયા આંકવામાં આવી હતી.
સવારે જ્યારે લતાબાઈને થેલો મળ્યો નહીં તો તેણે સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. થેલામાં લાખો રૂપિયાના ઘરેણાં હોવાના લીધે પોલીસે મામલાને ગંભીરતાથી લઈને તરત શોધખોળ શરૂ કરી દીધી. હેડ કોન્સ્ટેબલ અજય સોલંકીને બેગ શોધવાની જવાબદારી સોંપવામાં આવી. પોલીસની ટીમ હોસ્પિટલમાં પહોંચી અને ત્યાં લાગેલા સીસીટીવીનું રેકોર્ડિગ ચેક કરવાનું શરૂ કરી દીધું.
ત્યાર બાદ પોલીસે હોસ્પિટલ પરિસરના અલગ અલગ કેમેરાના ફૂટેજની મદદથી શ્વાનની ગતિવિધિને ટ્રેક કરવાનું શરૂ કર્યું. જેના લીધે પોલીસને બેગ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. બેગ મળ્યાં પછી પોલીસ અને પરિવાર બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, થેલામાં રાખેલા ઘરેણાં અને રોકડ સુરક્ષિત હતી. કોઈપણ સામાન ગાયબ હોવાની જાણકારી મળી નથી. જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી સોમવારે સાંજે પોલીસે થેલો અને તેમાં રાખેલા ઘરેણાં લતાબાઈને સોંપી દીધા હતા.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
