<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

લાલબાગચા રાજાને ચડાવવામાં આવ્‍યો ડોલરનો હાર

લાલબાગચા રાજાની ઊંચી મૂર્તિને ગળેથી છેક પગ સુધી પહોંચે એ રીતે ડોલરનો આ હાર તૈયાર કરવામાં આવ્‍યો હતો : પહેલા જ દિવસે લાલબાગચા રાજાને ૪૮.૫ લાખ રૂપિયાનું દાન ધરાયું

મુંબઇ તા.૧૬: દેશનાં સૌથી શ્રીમંત ગણેશ મંડળોમાં જેમનો સમાવેશ થાય છે એવા લાલબાગચા રાજાને એક ભક્‍તે ડોલરથી મઢ્‍યા હતા. ગણેશોત્‍સવના પહેલા જ દિવસે એક ભક્‍તે લાલબાગચા રાજાને ડોલરનો હાર અર્પણ કર્યો હતો. લાલબાગચા રાજાની ઊંચી મૂર્તિને ગળેથી છેક પગ સુધી પહોંચે એ રીતે ડોલરનો આ હાર તૈયાર કરવામાં આવ્‍યો હતો. આ હાર પણ ફક્‍ત ગળેથી પગ સુધી સીધેસીધો પહોંચી જાય એ રીતનો નથી, વચ્‍ચે-વચ્‍ચે ડોલર્સની સેંકડો નોટથી ફૂલ આકારમાં ડેકોરેશન પણ કરવામાં આવ્‍યું છે. આ ડોલરની ખરી કિમત શું છે અને કેટલા ડોલરનું દાન આપવામાં આવ્‍યું છે એ વિશે કોઈ ફોડ પાડવામાં આવ્‍યો નહોતો. જોકે આટલા બધા ડોલરની નોટોનો હાર જોઈને અહીં આવતા ગણેશભક્‍તો પણ છક થઈ ગયા હતા.

ગણેશોત્‍સવના પહેલા જ દિવસે લાલબાગચા રાજાનાં ચરણોમાં ભક્‍તોએ ૪૮.૫ લાખ રૂપિયાનું દાન ધર્યું હતું. સોનું, ચાંદી અને રોકડ એમ કુલ મળીને ૪૮.૫ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્‍યું હતું. સ્‍ટેજ પરના બોક્‍સમાં ૨.૭૫ લાખ રૂપિયાનું દાન અને દર્શનની લાઇનના બોક્‍સમાં ૨૧ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્‍યું હતું, જ્‍યારે સોના અને ચાંદીનું દાન પણ પહેલા દિવસે લાલબાગચા રાજાને અર્પણ કરવામાં આવ્‍યું હતું. ૬૬.૭૭૦ ગ્રામ વજનનું સોનું અને ૨૮૦૬ ગ્રામ ચાંદી લાલબાગચા રાજાનાં ચરણોમાં ધરાવવામાં આવ્‍યાં હતાં.

(3:08 PM IST)