News of Tuesday, 5th May 2026
ભારતીય સેનાની તાકાતમાં ધરખમ વધારો: 'ઓપરેશન સિંદૂર' બાદ આ મહિને દિલ્હીમાં શરૂ થશે હાઈટેક 'ટ્રાઈ-સર્વિસ JOCC'; ત્રણેય પાંખ હવે એક જ છત નીચેથી દુશ્મનો પર રાખશે નજર
જયપુર, લખનૌ અને તિરુવનંતપુરમમાં નવા 'થિયેટર કમાન્ડ' સ્થાપવાની તૈયારી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સમક્ષ રજૂ કરાયો બ્લુપ્રિન્ટ; દેશની સુરક્ષા વ્યવસ્થામાં થશે ઐતિહાસિક ફેરફાર

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૫માં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'માંથી બોધપાઠ લઈને ભારતીય સંરક્ષણ દળો હવે વધુ આક્રમક અને એકીકૃત બનવા જઈ રહ્યા છે. આ મહિનાના અંત સુધીમાં દિલ્હી કેન્ટ વિસ્તારમાં 'ટ્રાઈ-સર્વિસ જોઈન્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટર' (JOCC) કાર્યરત થઈ જશે. આ સેન્ટર દ્વારા ભારતીય સેનાની ત્રણેય પાંખ - આર્મી, નેવી અને એરફોર્સ - એકસાથે મળીને સંયુક્ત રીતે ઓપરેશન પર નજર રાખી શકશે.
દુશ્મનોના છક્કા છોડાવશે આ હાઈટેક સેન્ટર
આ JOCC માં ત્રણેય સેવાઓના અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે, જેનાથી ટોચના કમાન્ડરોને એક જ સ્થાનેથી ત્રણેય પાંખની ગતિવિધિઓનું એકીકૃત ચિત્ર મળી રહેશે. આ ઉપરાંત, ભવિષ્યમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઊંડા ભૂગર્ભ (Deep Underground) કમાન્ડ સેન્ટર બનાવવાની પણ યોજના છે, જે કોઈપણ કટોકટીમાં સુરક્ષિત રહી શકે.
નવા 'થિયેટર કમાન્ડ'નો પ્રસ્તાવ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) એ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને નવા 'થિયેટર કમાન્ડ' સ્થાપવા માટેની ભલામણો સુપરત કરી દીધી છે. જે મુજબ જયપુર, લખનૌ અને તિરુવનંતપુરમમાં ત્રણ મુખ્ય થિયેટર કમાન્ડ સ્થાપવામાં આવી શકે છે. આ કમાન્ડ ઉત્તરીય સીમા, પશ્ચિમી સીમા અને દરિયાઈ સીમાઓ પરના જોખમોનો સામનો કરવા માટે બનાવવામાં આવશે. આગામી ૭-૮ મેના રોજ જયપુરમાં યોજાનારી કમાન્ડર્સ કોન્ફરન્સમાં આ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવશે.
શું હતું 'ઓપરેશન સિંદૂર'?
૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૬ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરી હતી. આ કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ૭ મે ૨૦૨૫ના રોજ સરહદ પાર જઈને આતંકી ઠેકાણાઓ પર 'ઓપરેશન સિંદૂર' લોન્ચ કર્યું હતું અને આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. આ ઓપરેશન બાદ સેનામાં વધુ સારી તાલમેલ (Jointness) ની જરૂરિયાત અનુભવાઈ હતી, જેનો અમલ હવે JOCC દ્વારા થવા જઈ રહ્યો છે.
સેનામાં આવનારા આ મોટા બદલાવથી પાડોશી દેશોની કોઈપણ ઉશ્કેરણીનો જવાબ આપવો ભારત માટે વધુ ઝડપી અને ઘાતક બનશે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
