<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

બાબા કેદારના ધામમાં ભક્તિનું ઘોડાપૂર: કપાટ ખુલતા જ માત્ર ૪ દિવસમાં ૧.૨૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શિશ ઝુકાવ્યું

હિમાલયની કંદરાઓમાં ગુંજ્યો 'જય કેદાર'નો નાદ: વહીવટી તંત્રની ચુસ્ત સુરક્ષા અને ટોકન સિસ્ટમ વચ્ચે યાત્રા નિર્વિઘ્ન જારી, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા મંદિર સમિતિની ભાવિકોને ખાસ અપીલ

 

 

રુદ્રપ્રયાગ: ઉત્તરાખંડના પવિત્ર ચારધામ પૈકીના મુખ્ય એવા બાબા કેદારનાથના દ્વાર ખુલતાની સાથે જ શ્રદ્ધાની અભૂતપૂર્વ લહેર જોવા મળી રહી છે. ૨૦૨૬ની યાત્રાના પ્રારંભિક તબક્કામાં જ ભક્તોએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, ૨૨ એપ્રિલે કપાટ ખુલ્યા બાદ માત્ર ચાર જ દિવસના ટૂંકા ગાળામાં ૧,૨૪,૭૮૨ જેટલા માતબર શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે. શનિવારે એક જ દિવસમાં ૩૧ હજારથી વધુ ભક્તોએ બાબાના દરબારમાં હાજરી પુરાવી હતી. હિમાલયની બર્ફીલી ચોટીઓ વચ્ચે શ્રદ્ધાળુઓનો આ ઉત્સાહ જોઈને વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે અને યાત્રાને સરળ બનાવવા માટે વધારાના પોલીસ જવાનો અને અધિકારીઓને તૈનાત કર્યા છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના સીધા માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હેલિપેડથી લઈને પગપાળા માર્ગ સુધી ભીડના સંચાલન માટે કડક આયોજન કરાયું છે. ભક્તોને કલાકો સુધી લાઈનમાં ઊભા ન રહેવું પડે તે માટે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા 'ટોકન સિસ્ટમ' અમલમાં મૂકવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે અત્યંત ભીડ હોવા છતાં દરેક શ્રદ્ધાળુને શાંતિપૂર્વક દર્શન કરવાની તક મળી રહી છે. આ ઉપરાંત, મંદિરના દ્વાર ખુલ્યા બાદ હવે શ્રી ભૈરવનાથ મંદિરમાં સાંજની આરતીનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, જે ભક્તો માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બની રહેશે.

કેદાર સભાએ યાત્રા દરમિયાન ફેલાવવામાં આવતી અરાજકતાની અફવાઓને સખત શબ્દોમાં ફગાવી દીધી છે. સભાના પ્રમુખ રાજકુમાર તિવારીએ જણાવ્યું હતું કે, મંદિરની છબીને ખરાબ કરવાના પ્રયાસો નિંદનીય છે અને સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ભ્રામક સમાચારો પર શ્રદ્ધાળુઓએ ધ્યાન ન આપવું જોઈએ. સ્થાનિક રહેવાસીઓ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે રહેવા અને જમવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ખાસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર યાત્રા માર્ગનું ૨૪ કલાક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભક્તો માટે આ યાત્રા યાદગાર અને સુરક્ષિત રહે તે માટે તમામ ટીમો ખંતપૂર્વક કાર્યરત છે.

(12:47 AM IST)