તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Tuesday, 16th June 2026
કેલિફોર્નિયામાં યુએસ એરફોર્સ બેઝ પર B-52 બોમ્બર વિમાન ક્રેશઃ ૮ લોકોના મોત
યુએસ એરફોર્સના એડવર્ડ્સ એરફોર્સ બેઝ પરથી ટેકઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં એક વિશાળ B-52 બોમ્બર વિમાન ક્રેશ થયું

કેલિફોર્નિયા તા.૧૬: અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા મોજાવે રણમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. યુએસ એરફોર્સના એડવર્ડ્સ એરફોર્સ બેઝ પરથી ટેકઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં એક વિશાળ B-52 બોમ્બર વિમાન ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં સવાર તમામ ૮ લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે.
અમેરિકાના બેઝના અધિકારીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખદ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, અકસ્માત બાદ બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કોઈના બચવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
ઘટના સોમવારે સવારે ૧૧:૨૦ વાગ્યે બની હતી. આ અકસ્માત બાદ રનવેની નજીકનો રણનો મોટો વિસ્તાર કાળા ધુમાડામાં ફેરવાઈ ગયો હતો. આ ઘટના બાદ એરફિલ્ડને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું અને તમામ વિમાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, બેઝ પર બિન-વાણિજ્યિક મુલાકાતીઓના પાસ પણ રદ કરી દેવામાં આવ્યા છે.
પ્રખ્યાત ઉડ્ડયન સુરક્ષા નિષ્ણાત જેફ ગુઝેટ્ટી એ આ દુર્ઘટના અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, વિમાન ઊંચાઈએ પહોંચે તે પહેલા જ ક્રેશ થયું છે, જે સ્પષ્ટપણે ફલાઇટ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ મોટી તકનીકી ખામી તરફ નિર્દેશ કરે છે. ગુઝેટ્ટીના મતે, જાળવણીમાં ભૂલ, એન્જિનની નિષ્ફળતા અથવા નવા પરીક્ષણ ઉપકરણોમાં ખામી હોવાની શક્યતાને નકારી શકાય નહીં.
એડવર્ડ્સ એરફોર્સ બેઝ એ યુએસ એરફોર્સના વિમાનોના પરીક્ષણ માટેનું મુખ્ય મથક છે. આ એ જ સ્થળ છે જ્યાં ૧૯૪૭માં ટેસ્ટ પાઇલટ ચક યેગરે ધ્વનિની ગતિ (Sound Barrier) તોડીને ઇતિહાસ રચ્યો હતો. ૧૯૫૫થી સેવામાં રહેલું B-52 બોમ્બર પોતાની ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ નવા ટેકનિકલ પરીક્ષણો હંમેશા જોખમી રહે છે.(૩૮.૫)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
