News of Monday, 24th August 2026
ઓસ્ટ્રેલિયાથી ફરવા આવી યુવતી..ભારતના ટેક્સી ડ્રાઇવર પર થઈ ગઈ ફિદા બની ભારતીય વહુ
સોશિયલ મીડિયા પર હાલમાં ઓસ્ટ્રેલિયાથી ભારત ફરવા આવેલી એક મહિલા ટૂરિસ્ટની લવ સ્ટોરી ચર્ચામાં : તમિલનાડુના મદુરાઈમાં પ્રવાસ દરમિયાન તેને એક ટેક્સી ડ્રાઇવર સાથે પ્રેમ થયો અને થોડા સમય બાદ આ સંબંધ લગ્નમાં બદલાઈ ગયો આજે બંને એક દીકરીના માતા-પિતા છે

મદુરાઈ તા.૨૪: સોશિયલ મીડિયા પર હાલમાં ઓસ્ટ્રેલિયાથી ભારત ફરવા આવેલી એક મહિલા ટૂરિસ્ટની લવ સ્ટોરી ચર્ચામાં છે. તમિલનાડુના મદુરાઈમાં પ્રવાસ દરમિયાન તેને એક ટેક્સી ડ્રાઇવર સાથે પ્રેમ થયો અને થોડા સમય બાદ આ સંબંધ લગ્નમાં બદલાઈ ગયો. આજે બંને એક દીકરીના માતા-પિતા છે.
હકીકતમાં, જાન્યુઆરી ૨૦૨૪માં લોરેના સ્ટેફની ઓસ્ટ્રેલિયાથી મદુરાઈ એરપોર્ટ પહોંચી હતી. એરપોર્ટની બહાર તેની મુલાકાત ટેક્સી ડ્રાઇવર રબીક બહુરુદ્દીન સાથે થઈ.
લગભગ ત્રણ કલાકની ટેક્સી મુસાફરી દરમિયાન બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીમે-ધીમે બંને એકબીજાની નજીક આવતા ગયા. લોરેના કેથોલિક છે જ્યારે રબીક મુસ્લિમ છે.
અલગ દેશ, ધર્મ અને સંસ્કૃતિ હોવા છતાં બંનેએ પોતાના સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો. લગભગ એક વર્ષ સુધી સંબંધ જાળવ્યા બાદ ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બંનેએ સાથે જીવન વિતાવવાનો નિર્ણય લીધો. પરિવારના વિરોધ છતાં તેમણે ભારતમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા. જોકે, લગ્ન બાદ પણ મુશ્કેલીઓ ઓછી થઈ નહીં. વિઝા અને ઇમિગ્રેશનની સમસ્યાઓને કારણે બંનેને અલગ-અલગ દેશમાં રહેવું પડી રહ્યું છે.
ફેબ્રુઆરી ૨૦૨૬માં ઓસ્ટ્રેલિયામાં તેમની દીકરી મરિયમનો જન્મ થયો, પરંતુ વિઝા ન મળતાં રબીક તે સમયે પત્ની અને દીકરી સાથે હોસ્પિટલમાં હાજર રહી શક્યો નહોતો. હાલ લોરેના દીકરી સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે અને રબીક તેમને મળવા ભારતથી જાય છે.
બંને પાર્ટનર વિઝાની રાહ જોઈ રહ્યા છે. તેમનું સપનું છે કે ટૂંક સમયમાં તેઓ એક જ છત નીચે સાથે રહી શકે. તેમની આ અજબ-ગજબ લવ સ્ટોરી હાલ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
