News of Friday, 25th September 2026
દિલ્હીમાં જામશે રંગમંચનો મહાકુંભ: ૧૨ ઓક્ટોબરથી ત્રિ-દિવસીય 'બ્રિક્સ થિયેટર ફેસ્ટિવલ'નો ધમાકેદાર પ્રારંભ, વિશ્વભરના ૧૦૦થી વધુ કલાકારો રચશે સાંસ્કૃતિક ઇતિહાસ!
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા "શેર્ડ સ્ટોરીઝ, શેર્ડ ફ્યુચર્સ" થીમ પર આયોજન; 'ગ્લોબલ સાઉથ'ના ૯ દેશોની નાટ્ય પરંપરાઓ અને સંસ્કૃતિનો સંગમ જોવા મળશે

નવી દિલ્હી, તા.૨૫: દેશની રાજધાની દિલ્હી આગામી ઓક્ટોબર મહિનામાં વિશ્વભરના નાટ્યપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે. ભારતના બ્રિક્સ (BRICS) પ્રમુખપદ હેઠળ ૧૨ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન દિલ્હીના પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) ખાતે ત્રિ-દિવસીય 'બ્રિક્સ થિયેટર ફેસ્ટિવલ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતાં સંસ્કૃતિ મંત્રાલયના સચિવ વિવેક અગ્રવાલે જણાવ્યું હતું કે, આ મહોત્સવ "શેર્ડ સ્ટોરીઝ, શેર્ડ ફ્યુચર્સ" (વહેંચાયેલી વાર્તાઓ, વહેંચાયેલું ભવિષ્ય) ની વિશિષ્ટ થીમ હેઠળ યોજાશે.
આ સાંસ્કૃતિક મહાકુંભમાં બ્રિક્સના ૯ સભ્ય અને સહભાગી દેશોમાંથી ૧૦૦થી વધુ દિગ્ગજ થિયેટર કલાકારો, નાટ્ય વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓ એકમંચ પર એકત્રિત થશે. આ મહોત્સવ વિવિધ દેશોની અનોખી નાટ્ય પરંપરાઓને ઉજાગર કરવાની સાથે માનવીય સંબંધોને વધુ ગાઢ બનાવવાનું કામ કરશે.
'ભોપાલ ઘોષણાપત્ર' અને 'ગ્લોબલ સાઉથ'નું મિલન
આંતરરાષ્ટ્રીય સ્તરે કલાના આદાન-પ્રદાન માટે આયોજિત આ ઉત્સવ ગયા મહિને બ્રિક્સ દેશોના સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકમાં અપનાવવામાં આવેલા 'ભોપાલ ઘોષણાપત્ર' (Bhopal Declaration) પર આધારિત છે. આ ઘોષણાપત્રમાં વિશ્વના કલાકારો વચ્ચે સીધો સંપર્ક, સાંસ્કૃતિક સહયોગ અને એક મજબૂત વૈશ્વિક નેટવર્ક ઊભું કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત રશિયા, ઈરાન, દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, કઝાકિસ્તાન અને ઈથોપિયા જેવા 'ગ્લોબલ સાઉથ'ના દેશોના નાટ્ય જૂથો પોતાની અદ્ભુત કલાત્મક શૈલીઓ રજૂ કરશે. વિવિધ દેશોની કલાત્મક વિવિધતા, રંગમંચના અનોખા પ્રયોગો અને પરસ્પર સંવાદ માટે આ ફેસ્ટિવલ એક ઐતિહાસિક મંચ સાબિત થશે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
