News of Friday, 26th June 2026
અયોધ્યા રામ મંદિરમાં મહાપાપ: દાનની રોકડ અને રામલલ્લાના દાગીના ચોરતું હાઈટેક રેકેટ પકડાયું, હિસાબોમાં ગોલમાલ કરવા કપડાંમાં નોટો છુપાવતા!
બેંક ડિપોઝિટમાં તફાવત આવતા ટ્રસ્ટે લગાવ્યા હિડન કેમેરા ને પાપ છતું થયું: સીસીટીવીના બ્લાઇન્ડ સ્પોટનો ઉપયોગ કરી ભક્તોની આસ્થા સાથે રમત રમનારા પકડાયા, અંદરના જ કર્મચારીઓની સંડોવણી

અયોધ્યા, તા.26: પ્રભુ શ્રી રામના ભવ્ય દરબારમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાન પર કુદ્રષ્ટિ કરનારા એક સંગઠિત આંતરિક નેટવર્કનો પર્દાફાશ થતાં સનાતન ધર્મીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા બેંક ખાતાઓમાં જમા થતી રોકડ રકમની વિસંગતતાઓને પગલે હાથ ધરાયેલી ગુપ્ત આંતરિક તપાસમાં દાન ગણતરી ખંડમાં સક્રિય ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક વિગતો મુજબ, દર અઠવાડિયે દાનપેટીઓમાંથી ₹૫૦૦ ની ચલણી નોટોના આખેઆખા બંડલ ગાયબ થઈ રહ્યા હતા. સામાન્ય રીતે એક પેટીમાંથી 6 થી 7 લાખ રૂપિયા નીકળતા હોય છે, પરંતુ ઘણા સમયથી આ સરેરાશ ખોરવાઈ જતાં વહીવટદારોના કાન ચમક્યા હતા.
સીસીટીવીના બ્લાઇન્ડ સ્પોટનો ખેલ અને હિડન કેમેરાની એન્ટ્રી
ગેરવહીવટની પાકી આશંકા જતાં ટ્રસ્ટે મોટો ગ્રાઉન્ડ પ્લાન તૈયાર કર્યો અને જે રૂમમાં દાનની ગણતરી થાય છે ત્યાં ગુપ્ત રીતે 'હિડન કેમેરા' ગોઠવી દીધા. ત્યારબાદ જે ફૂટેજ સામે આવ્યા તે જોઈને તપાસકર્તાઓ પણ દંગ રહી ગયા હતા. ચોર કર્મચારીઓ મંદિરના મુખ્ય સીસીટીવી કેમેરાના બ્લાઇન્ડ સ્પોટ (જ્યાં કેમેરાની નજર ન પહોંચે) નો રીતસર દુરુપયોગ કરતા હતા. વીડિયોમાં દેખાયું કે એક કર્મચારી જાણીજોઈને ચાલુ સીસીટીવી કેમેરાની સામે આડો ઊભો રહી જતો હતો, જેથી કેમેરો બ્લોક થઈ જાય અને તેની પાછળ બીજો સાથીદાર ગુપ્ત રીતે નોટોના બંડલ સરકાવીને પોતાના કપડાંમાં છુપાવી લેતો હતો.
બેંકને પણ અંધારામાં રાખવાની કથિત મોડસ ઓપરેન્ડી:
તપાસમાં બહાર આવ્યું છે કે ગણતરી કરનારા કર્મચારીઓ રોકડના બંડલ બનાવતી વખતે તેમાં જાણીજોઈને વધારાની નોટો નાખી દેતા હતા પરંતુ કાગળ પર ઓછી ગણતરી દર્શાવતા હતા. બેંકના અધિકારીઓ દરેક નોટ ગણવાને બદલે માત્ર બંડલની સંખ્યા જ ચકાસતા હોવાથી વાઉચરનો મેળ બેસી જતો હતો. જો કે, આ બંડલ બેંકમાં જમા થાય તે પહેલાં જ આરોપીઓ તેમાંથી વધારાની નોટો ગુપ્ત રીતે કાઢી લેતા હતા, જેથી બેંકના સત્તાવાર રેકોર્ડમાં કોઈ વિસંગતતા પકડાય જ નહીં! આ સમગ્ર કૌભાંડમાં દાન વાઉચર બનાવનાર અનુકલ્પ મિશ્રા અને તેના સાળા લવ કુશ મિશ્રાની મુખ્ય ભૂમિકા હોવાનું મનાય છે. પોલીસે લવ કુશના ઘરે દરોડો પાડીને ₹૧૦ લાખની રોકડ જપ્ત કરી છે.
રામલલ્લાના ઝવેરાત અને પાવડીની પણ ચોરી
આ નરાધમો માત્ર રોકડ ચોરીને જ નહોતા અટક્યા, પરંતુ દેશ-વિદેશના ભક્તો દ્વારા રામલલ્લાને અર્પણ કરાતા સોના-ચાંદીના દાગીના પણ બારોબાર સબૂર કરી લેતા હતા. કથિત રીતે લૂંટાયેલી વસ્તુઓમાં કાનની બુટ્ટીઓ, નાકની વીંટીઓ, બંગડીઓ અને ભગવાનની પાવડી (ચરણ પાદુકા) જેવા પવિત્ર આભૂષણોનો સમાવેશ થાય છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના મતે, દાનપેટીની સામગ્રી સત્તાવાર ઇન્વેન્ટરી રજિસ્ટરમાં નોંધાય તે પહેલાં જ આ ટોળકી કિંમતી વસ્તુઓ સેરવી લેતી હતી, જેથી હિસાબમાં હેરફેર કરવી સરળ બને. મુખ્ય આરોપીઓ પૈકીના એક અવિનાશ પાંડેના બેંક ખાતા તપાસતા ચોરીના નાણાં સીધા તેના પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાના પુરાવા પણ મળ્યા છે.
ભલામણથી નોકરી મેળવનારા સગા-સંબંધીઓએ જ દગો દીધો!
ચોરી આટલા લાંબા સમય સુધી અવિરત ચાલવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે ફરજ પૂરી કરીને રૂમની બહાર નીકળતી વખતે કર્મચારીઓનું કોઈ ફિઝિકલ ચેકિંગ કે તપાસ થતી નહોતી. વળી, આ સંવેદનશીલ વિભાગમાં મોટાભાગના લોકો ભલામણોના આધારે ગોઠવાયા હતા. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના ડ્રાઇવર તિનુ યાદવે તેના પિતરાઇ ભાઇ મનીષ યાદવને આ વિભાગમાં રખાવ્યો હતો. રામ શંકર યાદવ ઉર્ફે તિનુ યાદવ અને સુભાષ ચંદ્ર જેવા લોકોને આ પ્રતિબંધિત રૂમમાં જવા માટે નિયમિત પાસ મળેલા હતા. હાલમાં આ તમામ શંકાસ્પદોની ભૂમિકા કડક તપાસ હેઠળ છે
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
