<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

કચ્છના રણમાં આકાર લઈ રહ્યું છે સિંગાપોર જેવડું વિશાળ સોલાર પાર્ક, ૧૭ મિલિયન ઘરોને મળશે સ્વચ્છ વીજળી

ગુજરાતના કચ્છમાં બની રહેલો અદાણી અને NTPC નો ખાવડા સોલાર પાર્ક વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે.

નવી દિલ્હી : સમગ્ર વિશ્વ ઝડપથી પરંપરાગત ઉર્જા છોડીને સૌર ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૦માં વૈશ્વિક વીજળી ઉત્પાદનમાં સોલર એનર્જીનો હિસ્સો માત્ર ૩ ટકા હતો, જે ૨૦૨૫ સુધીમાં વધીને ૯ ટકા સુધી પહોંચી ગયો છે અને આગામી સમયમાં આ વૃદ્ધિ વધુ ઝડપી બનવાની અપેક્ષા છે. પરંતુ સૌથી રોચક બાબત એ છે કે વિશ્વનો આ સૌથી મોટો સોલાર પાર્ક અન્ય ક્યાંય નહીં પરંતુ આપણા પોતાના દેશ ભારતમાં બની રહ્યો છે, જે દેશ માટે ગર્વની ક્ષણ છે.

આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાત હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક તરીકે ઓળખાય છે, જેને સામાન્ય રીતે ખાવડા સોલાર પાર્ક તરીકે પણ ખ્યાતિ મળી છે. આ એક અત્યંત વિશાળ સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ છે, જે ગુજરાતના કચ્છ જિલ્લાના રણના દૂરના અને દુર્ગમ સરહદી વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે. આ સોલાર પાર્કનું કદ એટલું વિશાળ છે કે તે આશરે ૭૨,૬૦૦ હેક્ટર એટલે કે આશરે ૫૩૮ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે, જે કદની દ્રષ્ટિએ આખા સિંગાપોર દેશ જેટલો વિશાળ વિસ્તાર ધરાવે છે.

આ ભવ્ય સોલાર પાર્ક પ્રોજેક્ટમાં દેશના અગ્રણી ઉદ્યોગસમૂહો અદાણી અને NTPC સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે, જેઓ મળીને આ પ્રોજેક્ટ દ્વારા આશરે ૧૭ મિલિયન એટલે કે ૧.૭ કરોડ જેટલા ઘરોને વીજળી પૂરી પાડવા માટે સજ્જ થઈ રહ્યા છે. આનાથી ભારતની ગ્રીન એનર્જી ક્ષમતામાં અકલ્પનીય વધારો થશે અને વૈશ્વિક સ્તરે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકોને હાંસલ કરવામાં ભારત અગ્રેસર ભૂમિકા ભજવશે.

ભારત સરકાર અને અગ્રણી ઉર્જા કંપનીઓના સહયોગથી વિકસિત થઈ રહેલો આ ખાવડા સોલાર પાર્ક દેશને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા તરફનું એક ઐતિહાસિક પગલું સાબિત થશે. આગામી સમયમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ ભારતમાં અક્ષય ઊર્જાનું ઉત્પાદન નવા શિખરો સર કરશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ભારત એક રોલ મોડેલ તરીકે ઉભરી આવશે.

(11:04 AM IST)