<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

મુંબઈના બોરીવલીમાં બંધ રૂમમાં ચાલતી ‘હાઇડ્રોપોનિક ગાંજાની લેબ’ ઝડપાઈ

સોશિયલ મીડિયા પરથી નુસખા શીખી ગાંજો ઉગાડ્યાનો પોલીસ તપાસમાં ખુલાસો ગણપત પાટિલ નગરમાં દરોડો : રૂ. ૪ લાખથી વધુનો ગાંજો અને હાઇ-ટેક સાધનો જપ્ત : નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ

મુંબઈ : મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેણાંક મકાનના બંધ રૂમમાં કથિત રીતે ચાલી રહેલી ‘ઇન્ડોર હાઇડ્રોપોનિક ગાંજાની લેબ’નો પોલીસે પર્દાફાશ કરતાં ભારે ચકચાર મચી છે. ગણપત પાટિલ નગર વિસ્તારમાં દરોડો પાડી પોલીસે ભીનો તથા તૈયાર ગાંજો અને ઇન્ડોર ખેતી માટે ઉપયોગમાં લેવાતાં હાઇ-ટેક સાધનો સહિત રૂ. ૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો મુજબ આરોપીઓએ રહેણાંક વિસ્તારના એક બંધ ઓરડામાં ગોપનીય રીતે હાઇડ્રોપોનિક પદ્ધતિથી ગાંજાના છોડ ઉગાડવા માટે ખાસ સેટઅપ ગોઠવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસને ગાંજાનો જથ્થો તેમજ લાઇટિંગ અને અન્ય સાધનસામગ્રી મળી આવી હોવાનું જાણવા મળે છે.

 

આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આરોપીઓએ આ પ્રકારનું સેટઅપ તૈયાર કરવાની માહિતી સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર ઉપલબ્ધ વીડિયો પરથી મેળવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ બંધ ઓરડામાં જરૂરી સાધનો ગોઠવી ગેરકાયદે રીતે ગાંજાનું ઉત્પાદન શરૂ કરાયું હોવાની પોલીસને શંકા છે.

 

પોલીસે સ્થળ પરથી મળેલા નશીલા પદાર્થો અને સાધનસામગ્રી જપ્ત કરીને સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી, તેમાં અન્ય કોણ-કોણ સામેલ છે અને તૈયાર થયેલો ગાંજો કોને પહોંચાડવામાં આવતો હતો તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

 

આ કેસ માત્ર એક રૂમ પૂરતો સીમિત છે કે તેની પાછળ કોઈ મોટું સપ્લાય નેટવર્ક કાર્યરત છે તે જાણવા માટે પણ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ અને અન્ય કડીઓની તપાસ કરવામાં આવી રહી છે. રહેણાંક વિસ્તારમાં બંધ ઓરડામાં આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ સામે આવતાં સ્થાનિક સ્તરે પણ ભારે ચકચાર જાગી છે.

(12:10 PM IST)