તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Wednesday, 13th May 2026
મુંબઈના દરિયાને પ્લાસ્ટિકના ઝેરથી બચાવવા મોટું અભિયાન: 'ધ ઓશન ક્લીનઅપ' અને MPCB વચ્ચે ઐતિહાસિક સમજૂતી, હવે નદીઓનું પ્રદૂષણ સમુદ્રમાં જતાં અટકશે!
ટ્રોમ્બે અને મલાડની ખાડીઓમાં હાઈટેક 'ઇન્ટરસેપ્ટર્સ' મુકાશે; વાર્ષિક ૫૦ લાખ કિલો પ્લાસ્ટિક કચરો અરબી સમુદ્રમાં ભળતો અટકાવવાનો માસ્ટર પ્લાન - ૨૦ લાખ લોકોની આજીવિકા પરનું સંકટ ટળશે

મુંબઈ : મુંબઈના દરિયાકિનારા અને જળમાર્ગોને પ્રદૂષણમુક્ત કરવા માટે એક અત્યંત મહત્વના પ્રોજેક્ટ પર મહોર મારવામાં આવી છે. વૈશ્વિક સ્તરે જાણીતી બિન-લાભકારી સંસ્થા 'ધ ઓશન ક્લીનઅપ' અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB) વચ્ચે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સહયોગ દ્વારા મુંબઈની ખાડીઓ અને નદીઓમાંથી વહેતો પ્લાસ્ટિક કચરો દરિયામાં પહોંચે તે પહેલા જ આધુનિક ટેકનોલોજીની મદદથી રોકી દેવામાં આવશે.
હાઈટેક ઇન્ટરસેપ્ટર ટેકનોલોજીનો ઉપયોગ
નેધરલેન્ડ સ્થિત આ સંસ્થાએ ટ્રોમ્બે અને મલાડ ક્રીક (ખાડી) સાઇટ્સ પર પોતાની ખાસ 'ઇન્ટરસેપ્ટર' ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે BMC પાસેથી મંજૂરી મેળવી લીધી છે. આ ટેકનોલોજી નદીના પ્રવાહમાં અવરોધ ઉભો કરીને પાણીમાં તરતા પ્લાસ્ટિક અને કચરાને ઝડપથી એકત્રિત કરે છે. સંસ્થાના સીઈઓ બોયાન સ્લેટે જણાવ્યું હતું કે, મુંબઈ જેવા ગીચ શહેરમાં સમુદ્રી પ્રદૂષણ રોકવા માટે સ્ત્રોત (નદી અને ખાડી) પર જ કાર્યવાહી કરવી અનિવાર્ય છે.
પર્યાવરણ અને આજીવિકાનું રક્ષણ
સંશોધન મુજબ, મુંબઈના જળમાર્ગો દ્વારા વાર્ષિક આશરે ૫ મિલિયન (૫૦ લાખ) કિલો પ્લાસ્ટિક કચરો અરબી સમુદ્રમાં ઠલવાય છે. આ પ્રદૂષણ ૨૨૦ કિમી લાંબા દરિયાકાંઠા, ૧૫૨ ચોરસ કિમીમાં ફેલાયેલા મેન્ગ્રોવ્સ અને ૧૦૭ જેટલી સંરક્ષિત પ્રજાતિઓ માટે જોખમ ઉભું કરે છે. એટલું જ નહીં, દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ પર નિર્ભર લગભગ ૧.૯ મિલિયન (૧૯ લાખ) લોકોની આજીવિકા પણ આ પ્રદૂષણને કારણે જોખમમાં છે. MPCB ના ચેરમેન સિદ્ધેશ કદમે આ પ્રોજેક્ટને નવીનતા અને શાસનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે.
સ્થાનિક રોજગારી અને જનજાગૃતિ
આ પ્રોજેક્ટમાં 'પ્લાસ્ટિક ફિશર' નામનું સામાજિક સાહસ જમીની સ્તરે કચરા વ્યવસ્થાપનનું કામ સંભાળશે, જે હાલમાં ભારતના સાત શહેરોમાં ૧૦૦થી વધુ લોકોને રોજગારી આપી રહ્યું છે. આ ઉપરાંત, 'યુનાઇટેડ વે મુંબઈ' દ્વારા સ્થાનિક સમુદાયોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણથી મહારાષ્ટ્રના દરિયાકાંઠાની સુરક્ષા સાથે સ્વચ્છ મુંબઈના અભિયાનને એક નવો વેગ મળશે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
