News of Sunday, 11th October 2026
કપટપૂર્ણ SMS અને હેડરના દુરુપયોગ સામે મોટો સિકંજો: તેલંગાણા સાયબર સિક્યુરિટી બ્યુરોએ ૩ ટેલિમાર્કેટિંગ કંપનીઓ સામે નોંધ્યો ગુનો
KFin ટેક્નોલોજીસ અને નરીમન ફિનવેસ્ટના રજિસ્ટર્ડ SMS હેડર્સ તથા DLT સ્ક્રબિંગ સિસ્ટમનો દુરુપયોગ કરી ગ્રાહકોને ખતરનાક શોર્ટ લિંક્સ મોકલવાનો સંગીન આરોપ: Onextel, Nimbus Adcom અને TVL Media સામે કાનૂની કાર્યવાહી

હૈદરાબાદ:સાઇબર ગુનાઓ અને નાણાકીય છેતરપિંડી સામે કડક વલણ અપનાવીને તેલંગાણા સાયબર સિક્યુરિટી બ્યુરોએ ત્રણ પ્રમુખ ટેલિમાર્કેટિંગ કંપનીઓ સામે કેસ દાખલ કર્યો છે. આ કંપનીઓ પર દેશની જાણીતી નાણાકીય સેવાઓ આપતી કંપનીઓના કાયદેસર રજિસ્ટર્ડ SMS હેડર્સ અને ટેમ્પ્લેટ્સનો અનધિકૃત દુરુપયોગ કરીને ગ્રાહકોને ફિશિંગ તેમજ ખતરનાક લિંક્સ ધરાવતા ફેક વેપારી મેસેજ (કપટપૂર્ણ SMS) મોકલવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. વેલ્યુફર્સ્ટ ડિજિટલ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલી સત્તાવાર ફરિયાદના આધારે વનએક્સટેલ લિમિટેડ , નિમ્બસ એડકોમ પ્રાઇવેટ લિમિટેડ અને ટીવીએલ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને સાઇબર ફ્રોડનો કેસ નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર છેતરપિંડી કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ અને નરીમન ફિનવેસ્ટ પ્રાઇવેટ લિમિટેડના રજિસ્ટર્ડ હેડર્સ જેવા કે 'KFINTH' અને 'KFINMF' સાથે જોડાયેલી છે. આંતરિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ટેલિમાર્કેટિંગ કંપનીઓએ DLT PE-TM સ્ક્રબિંગ અને હેશ મિકેનિઝમની ખામીઓનો દુરુપયોગ કરીને ગ્રાહકોને નકલી સંદેશાઓ મોકલ્યા હતા. આ કપટપૂર્ણ મેસેજ મોકલવા માટે Onextel લિમિટેડ અને તેની નોઇડા સ્થિત ગ્રુપ કંપની TVL Media તેમજ તેના અપસ્ટ્રીમ રિસેલર Nimbus Adcom નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વોડાફોન-આઇડિયા દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે અમુક કિસ્સાઓમાં આ ટેલિમાર્કેટર્સ જ અંતિમ ડિલિવરી પોઇન્ટ હતા.
આ કપટપૂર્ણ પ્રવૃત્તિઓને કારણે જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન ટેલિકોમ ઓપરેટર્સ અને DLT સ્ક્રબિંગ સિસ્ટમ દ્વારા KFin ટેક્નોલોજીસના અધિકૃત SMS હેડર્સને વારંવાર બ્લેકલિસ્ટ (બ્લોક) કરવામાં આવ્યા હતા. પરિણામે, લાખો રોકાણકારો સુધી કંપનીના વાસ્તવિક ઓટીપી અને ટ્રાન્ઝેક્શનલ એલર્ટ્સ પહોંચતા બંધ થઈ ગયા હતા, જેનાથી મોટો હોબાળો મચ્યો હતો. વેલ્યુફર્સ્ટના રેકોર્ડ્સ દર્શાવે છે કે આ નકલી મેસેજ તેમની અધિકૃત ચેઇનમાંથી પસાર થયા જ નહોતા, પરંતુ બિન-નોંધાયેલ માર્ગોથી મોકલવામાં આવ્યા હતા. હાલ સાયબર સિક્યુરિટી બ્યુરો આ કૌભાંડમાં સંકળાયેલા અન્ય નેટવર્ક અને આર્થિક હેરાફેરી અંગે વધુ સઘન તપાસ ચલાવી રહ્યું છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
