News of Thursday, 12th November 2026
ખાદ્ય તેલ બજારમાં મોટો પલટો: ઇન્ડોનેશિયાને પછાડીને આર્જેન્ટિના બન્યું ભારતનું સૌથી મોટું વનસ્પતિ તેલ સપ્લાયર
બાયોડિઝલ નીતિમાં બદલાવને કારણે ઇન્ડોનેશિયાની નિકાસમાં ભારે ઘટાડો નોંધાતા વૈશ્વિક આયાતના સમીકરણો બદલાયા

નવી દિલ્હી : ભારતના ખાદ્ય તેલ અને વનસ્પતિ તેલના આયાત બજારમાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં દાયકાઓથી ભારતને ખાદ્ય તેલનો સૌથી મોટો સપ્લાયર રહેતો ઇન્ડોનેશિયા હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે. તેની સામે આર્જેન્ટિના ઇન્ડોનેશિયા અને મલેશિયાને પાછળ છોડીને ભારત માટે સૌથી મોટું વનસ્પતિ તેલ સપ્લાયર બનવાનું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, માર્કેટિંગ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આર્જેન્ટિના ભારતનું નંબર વન ખાદ્ય તેલ સપ્લાયર બન્યું છે. ઇન્ડોનેશિયામાં પામ તેલ વપરાશની નીતિઓમાં આવેલા ફેરફારને કારણે ભારતમાં થતી નિકાસમાં સતત ઘટાડો થયો છે, જેના પરિણામે આયાતના વૈશ્વિક સમીકરણોમાં મોટું પરિવર્તન આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, ઇન્ડોનેશિયાએ તેની સ્થાનિક બાયોડિઝલ નીતિમાં પામ તેલ સાથેનું મિશ્રણ ફરજિયાત બનાવ્યું છે, જેના કારણે ઉત્પાદક દેશમાં જ તેની આંતરિક વપરાશમાં મોટો વધારો થયો છે અને નિકાસ માટે ઉપલબ્ધ જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજી તરફ, આર્જેન્ટિના સોયાબીન તેલ પર નિકાસ ડ્યુટીમાં રાહત આપી રહી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજાર વધુ સ્પર્ધાત્મક બન્યું છે અને ભારતની ખરીદી તે દેશ તરફ વળી છે.
અગાઉના સમયમાં પણ આંતરરાષ્ટ્રીય બજારમાં બાયોફ્યુઅલની માંગ અને નીતિગત ફેરફારોને કારણે ખાદ્ય તેલના ભાવ તેમજ આયાત પર સતત અસર પડતી રહી છે. વર્તમાન નવા સમીકરણોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે સ્થાનિક બજારમાં તેલનો પૂરતો જથ્થો જાળવી રાખવા અને કિંમતોને નિયંત્રણમાં લાવવા માટે વૈકલ્પિક સપ્લાયર દેશો સાથે વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાની રણનીતિ પર કામ શરૂ કર્યું છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
