News of Saturday, 12th September 2026
ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: ચીની રાષ્ટ્રપતિ ક્ષી જિનપિંગના ભારત પ્રવાસ પહેલા ગલવાન વિવાદ બાદ સ્થગિત કરાયેલી નવી દિલ્હી-ગ્વાંગઝૂ ડાયરેક્ટ ફ્લાઈટ ૬ વર્ષે પુનઃ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય
સરહદી તણાવ અને કોવિડકાળથી બંધ પડેલી બંને દેશો વચ્ચેની સીધી હવાઈ સેવા ફરી શરૂ થતાં વેપારીઓ, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને રાહત; બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક અને આર્થિક સંબંધો સુધારવાની દિશામાં વધુ એક મજબૂત કદમ

નવી દિલ્હી:ભારત અને ચીન વચ્ચેના કડવાશભર્યા સંબંધોમાં હવે ધીમે-ધીમે સુધારાના સંકેતો મળી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ ક્ષી જિનપિંગના આગામી ભારત પ્રવાસ પહેલા જ બંને દેશો વચ્ચેથી એક ખુશખબર સામે આવી છે. વિતેલા ૬ વર્ષથી સંપૂર્ણપણે ઠપ્પ પડેલી ભારત અને ચીન વચ્ચેની સીધી વિમાન સેવા હવે ટૂંક સમયમાં જ વિધિવત રીતે પુનઃ શરૂ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે રાજધાની નવી દિલ્હીથી ચીનના મહત્વના ઔદ્યોગિક શહેર ગ્વાંગઝૂ વચ્ચેની ફ્લાઈટ સેવા પુનઃ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં લડાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ અને ત્યારબાદ કોરોના મહામારીના વૈશ્વિક સંકટને કારણે બંને દેશો વચ્ચેની સીધી વિમાન સેવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ વિમાન સેવા બંધ થવાને કારણે બંને દેશોના વેપારીઓ, ગ્વાંગઝૂ અને અન્ય શહેરોમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓને અન્ય ત્રીજા દેશો મારફતે મુસાફરી કરવાની ફરજ પડતી હતી, જેના કારણે સમય અને નાણાં બંનેનો મોટો બગાડ થતો હતો.
ચીની રાષ્ટ્રપતિના પ્રસ્તાવિત ભારત પ્રવાસ પૂર્વે લેવાયેલા આ દ્વિપક્ષીય નિર્ણયને કૂટનીતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. દિલ્હી-ગ્વાંગઝૂ રૂટ પર ફ્લાઈટ સેવાઓ શરૂ થવાથી ભારત અને ચીન વચ્ચે વ્યાપારી સંબંધોને ફરીથી વેગ મળશે તેમજ બંને દેશો વચ્ચે કૂટનીતિક સ્તરે બરફ ઓગળવાની પ્રક્રિયા ઝડપી બનશે. સંબંધિત એરલાઇન્સ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં જ ફ્લાઇટ શિડ્યુલ અને બુકિંગ અંગેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
