<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

મૃત તારાની રાખમાંથી બન્યો ગુરુ જેવો પ્રચંડ ગ્રહ: પૃથ્વીથી ૭૯૦ પ્રકાશ-વર્ષ દૂર અવકાશમાં પ્રથમવાર સર્જાઈ અદ્ભુત ઘટના

નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત સંશોધન મુજબ 'HS 0209+0832' નામના વ્હાઈટ ડ્વાર્ફે પોતાના જ અવશેષોમાંથી નવા ગેસ જાયન્ટ ગ્રહનો જન્મ આપ્યો; વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત

મુંબઈ : અવકાશ વિજ્ઞાનના ઈતિહાસમાં પ્રથમ વખત એક અત્યંત આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ ખગોળીય ઘટના સામે આવી છે, જેમાં પૃથ્વીથી લગભગ ૭૯૦ પ્રકાશ-વર્ષ દૂર આવેલા એક મૃત 'વ્હાઇટ ડ્વાર્ફ' તારાની રાખમાંથી ગુરુ (Jupiter) ગ્રહ જેટલા કદના એક નવા વિશાળ વાયુમય ગ્રહનો જન્મ થયો છે. નાસાના TESS ઉપગ્રહ દ્વારા મેળવવામાં આવેલા ડેટા અને વૈજ્ઞાનિક વિશ્લેષણના આધારે સામે આવેલી આ શોધે સમગ્ર ખગોળજગતમાં ભારે કુતૂહલ સર્જ્યું છે. સામાન્ય રીતે તારાના મૃત્યુ સાથે તેની આસપાસની ગ્રહમાળાનો અંત આવતો હોય છે, પરંતુ આ કિસ્સામાં મૃત તારાએ ફેંકેલા અવશેષોમાંથી એક નવા જ "સેકન્ડ એડિશન" ગ્રહનું નિર્માણ થતાં આ નવી દુનિયા અસ્તિત્વમાં આવી છે.

 

'નેચર એસ્ટ્રોનોમી' (Nature Astronomy) જર્નલમાં પ્રકાશિત આ વિગતવાર અભ્યાસ મુજબ, 'HS 0209+0832' નામનો આ શ્વેત વામન તારો પોતાના મૃત્યુ બાદ નિષ્ક્રિય રહ્યો નહોતો. તેજસ્વીતામાં દર ૪.૪ દિવસે નોંધાતા ફેરફારોના આધારે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે આ નવો ગ્રહ તેના મૃત પિતૃ તારાની અત્યંત નજીકની ભ્રમણકક્ષામાં રહીને માત્ર ૪.૪ દિવસમાં એક ચક્કર પૂર્ણ કરે છે. આ શોધે અત્યાર સુધી ગ્રહોના નિર્માણ અંગે પ્રવર્તતી જૂની ખગોળીય માન્યતાઓને મુક્તપણે પડકારી છે.

 

સંશોધકોના જણાવ્યા અનુસાર, આ જટિલ નિર્માણ પ્રક્રિયા પાછળ સંભવતઃ એક સાથી તારાનો (companion star) હાથ રહ્યો હોવો જોઈએ. યુનિવર્સિટી ઓફ વોરવિકના સંશોધક જેમી વિલિયમ્સે આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સાથી તારાના ગુરુત્વાકર્ષણ બળે અવકાશમાં ફેલાતા ધૂળ અને વાયુના કાટમાળને દૂર જતો રોક્યો હતો અને તેને એક 'પ્રોટોપ્લેનેટરી ડિસ્ક'ના રૂપમાં એકત્રિત કર્યો હતો. આ ચકતીની અંદર કણો જોડાયા અને તેમાંથી જ આ નવો વિશાળ ગેસ જાયન્ટ આકાર પામ્યો હતો.

 

આ નવા ગ્રહની કહાની જેટલી આશ્ચર્યજનક છે એટલી જ કરુણ પણ છે. અતિશય નિકટતાને કારણે શ્વેત વામન તારામાંથી નીકળતા તીવ્ર કિરણોત્સર્ગ અને પ્રચંડ ગરમી હેઠળ આ ગ્રહનું વાતાવરણ સતત ઉકળી રહ્યું છે. પરિણામે, ગ્રહમાંથી ઉત્સર્જિત થતા વાયુઓ અને ધાતુઓને મૃત તારો ફરી પોતાના ગુરુત્વાકર્ષણથી પોતાની તરફ ખેંચી રહ્યો છે, એટલે કે જે તારાની રાખમાંથી આ ગ્રહ જન્મ્યો, તે જ તારો હવે તેને ધીમે ધીમે ગળી રહ્યો છે.

 

વોરવિક યુનિવર્સિટીના ખગોળભૌતિકશાસ્ત્રી બોરિસ ગેન્સિકેએ આ અંગે ટાંક્યું હતું કે, આ સિસ્ટમની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ ગ્રહ બહારથી આવ્યો નથી, પરંતુ જૂની દુનિયાના પાયા પર એક નવી દુનિયાનું સર્જન થયું છે. આ શોધ ખગોળશાસ્ત્રીઓને બ્રહ્માંડમાં 'પુનર્જન્મ પામેલા' અન્ય શક્ય ગ્રહો વિશે નવી દિશામાં વિચારવા માટે મજબૂર કરે છે.

 

આ અદ્ભુત ઘટનાએ વૈજ્ઞાનિકોને આપણા પોતાના સૌરમંડળ અને પૃથ્વીના દુરગામી ભવિષ્ય અંગે પણ નવો દ્રષ્ટિકોણ આપ્યો છે. આજથી લગભગ પાંચથી છ અબજ વર્ષો પછી જ્યારે આપણો સૂર્ય પોતાનું બળતણ ગુમાવીને 'રેડ જાયન્ટ' બન્યા બાદ અંતે 'વ્હાઇટ ડ્વાર્ફ'માં ફેરવાશે, ત્યારે શું પૃથ્વીના અવશેષોમાંથી પણ આવી જ રીતે કોઈ નવું વિશ્વ જન્મ લેશે કે કેમ તે અંગે હવે નવા સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે.

 

(8:19 PM IST)