News of Wednesday, 15th July 2026
ગુરુગ્રામમાં ઓનલાઈન ડિલિવરી એપના પાર્સલમાં નીકળ્યું 'ગુપ્ત ફોટા' લખેલું રહસ્યમયી કવર, ગ્રાહક ચોંકી ઉઠી
ઘરમાં સફાઈના પ્રમોશન માટે અનોખી પણ ડરામણી માર્કેટિંગ ટ્રિક અજમાવતા કંપની સામે રોષ; સોશિયલ મીડિયા પર યુવતીના વીડિયોએ મચાવી ધૂમ

ગુરુગ્રામ: આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન શોપિંગ અને ક્વિક ડિલિવરી એપનો વપરાશ સામાન્ય બની ગયો છે, પરંતુ ગુરુગ્રામમાં એક ગ્રાહક સાથે બનેલી ચોંકાવનારી ઘટનાએ સૌને વિચારતા કરી દીધા છે. એક યુવતીએ જ્યારે જાણીતી ડિલિવરી એપ 'બ્લિંકિટ' (Blinkit) દ્વારા કરિયાણાનો સામાન અને કેક મંગાવ્યા, ત્યારે પેકેટ ખોલતા જ તેને અંદરથી એક રહસ્યમયી કવર મળ્યું જેના પર હાથથી 'કોન્ફિડેન્શિયલ ફોટોઝ' (ગુપ્ત તસવીરો) લખેલું હતું. આ લખાણ જોઈને યુવતીના હોશ ઉડી ગયા હતા.
ડરના માર્યા યુવતીના મનમાં ચાલ્યા અનેક તર્ક
કોર્પોરેટ ઓફિસમાં કામ કરતી આ યુવતીએ જણાવ્યું હતું કે, કવર પર 'ગુપ્ત તસવીરો' લખેલું જોઈને તે ગંભીર રીતે ડરી ગઈ હતી. તેણે વિચાર્યું કે કદાચ કોઈએ તેની જાણ બહાર કોઈ હોટલ કે અન્ય સ્થળેથી તેની ખાનગી તસવીરો પાડી લીધી છે અને હવે તે તેને બ્લેકમેલ કરવા જઈ રહ્યું છે. એક ક્ષણ માટે તો યુવતીનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું અને તે ડરના માહોલમાં હતી કે શું આ કોઈ ગંભીર ગુનો કે ખંડણીનો પ્રયાસ છે?
અંતે નીકળ્યું માત્ર એક માર્કેટિંગ સ્ટન્ટ
ગભરાયેલી હાલતમાં જ્યારે યુવતીએ હિંમત ભેગી કરીને તે કવર ખોલ્યું, ત્યારે તેની અંદરથી કોઈ ખાનગી તસવીરો નહીં, પરંતુ ઘરની સાફ-સફાઈ સંબંધિત એક જાહેરાત નીકળી. તેમાં ઘરના ગંદા સિંક, નળ અને રસોડાના ગંદા ખૂણાઓની તસવીરો હતી, અને સાથે એક નોટ લખેલી હતી કે, 'શું તમારું ઘર પણ પોતાની ચમક ગુમાવી ચૂક્યું છે? અમે તમારા ઘરને સુંદર બનાવી આપીશું.'
આ ઘટના એક પ્રાઈવેટ ક્લિનિંગ સર્વિસ કંપની દ્વારા બ્લિંકિટના સહયોગથી કરવામાં આવેલો માર્કેટિંગ સ્ટન્ટ હોવાનું સામે આવ્યું છે. જોકે, આ પદ્ધતિએ ગ્રાહકોને આકર્ષવાને બદલે ડરાવી દીધા હતા. યુવતીએ સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાનો વીડિયો શેર કરીને પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે, જે હાલ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો હવે આ પ્રકારની આક્રમક માર્કેટિંગ રીત સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને તેને ગ્રાહકોની માનસિક શાંતિ સાથે ચેડાં ગણાવી રહ્યા છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
