<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વ્યૂહાત્મક સંબંધોનો નવો અધ્યાય : વિદેશમંત્રી ટોમ બેરેન્ડસેન દિલ્હી પહોંચ્યા

જયશંકર સાથે પ્રથમ ઔપચારિક વિદેશમંત્રીસ્તરીય બેઠક : ટેકનોલોજી, વેપાર અને દ્વિપક્ષીય સહયોગ વધારવા મહત્વપૂર્ણ મંત્રણા

નવી દિલ્હી : યુરોપના મહત્વપૂર્ણ દેશ નેધરલેન્ડ્સના વિદેશમંત્રી ટોમ બેરેન્ડસેન બે દિવસની સત્તાવાર ભારત મુલાકાતે રવિવારે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મહત્વપૂર્ણ મંત્રણા યોજાવાની છે.

 

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી બંને દેશોના વિદેશમંત્રીઓની પ્રથમ ઔપચારિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ટેકનોલોજી અને પરસ્પર સહયોગના વિવિધ ક્ષેત્રો અંગે ચર્ચા થવાની છે.

 

આ મુલાકાત ખાસ એટલા માટે મહત્વપૂર્ણ છે કે મે ૨૦૨૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ્સ મુલાકાત દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઊંચા લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ દ્વિપક્ષીય સંબંધોમાં આ મુલાકાત મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

 

સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન પણ જયશંકર અને બેરેન્ડસેન વચ્ચે યુક્રેન સંઘર્ષ સહિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી.

 

૨૩ નવેમ્બરે નેધરલેન્ડ્સના વિદેશમંત્રી ભારતના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ મુલાકાત કરશે. વૈષ્ણવ પાસે રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીનાં ખાતાં છે. આ મુલાકાતથી બંને દેશોના આર્થિક અને ટેકનોલોજી સંબંધોને આગળ વધારવાની અપેક્ષા છે. 

(6:01 PM IST)