News of Thursday, 14th May 2026
દિલ્હીમાં હવે ‘વર્ક ફ્રોમ હોમ’નો નવો અધ્યાય: મુખ્યમંત્રી રેખા ગુપ્તાની મોટી જાહેરાત, સરકારી કર્મચારીઓ અઠવાડિયામાં ૨ દિવસ ઘરેથી કામ કરી શકશે
પ્રદૂષણ ઘટાડવા અને ઈંધણ બચાવવા માટે ઐતિહાસિક નિર્ણય: સીએમનો કાફલો ૬૦% ઘટાડાયો, ખાનગી કંપનીઓને પણ ૨ દિવસ ઘરેથી કામ કરવા અપીલ

નવી દિલ્હી, તા. ૧૪: દેશની રાજધાની દિલ્હીમાં વહીવટી અને પર્યાવરણીય સુધારાની દિશામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક અત્યંત ક્રાંતિકારી અને મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અને પ્રદૂષણ ઘટાડવાની અપીલના જવાબમાં મુખ્યમંત્રીએ દિલ્હીની તમામ સરકારી કચેરીઓ માટે અઠવાડિયામાં બે દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’ (ઘરેથી કામ) કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ખાનગી કંપનીઓને પણ આ મોડેલ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીના કાફલામાં ધરખમ ઘટાડો અને EV પર ભાર
પોતાના વચનોને અમલમાં મૂકવાની શરૂઆત મુખ્યમંત્રીએ સ્વયં પોતાનાથી જ કરી છે. પ્રધાનમંત્રીની સલાહને માન આપીને સીએમ રેખા ગુપ્તાએ તેમના કાફલામાં ૬૦ ટકાનો ઘટાડો કર્યો છે. હવે તેમના કાફલામાં માત્ર ચાર વાહનો જ હશે, જેમાંથી બે ઇલેક્ટ્રિક વાહનો (EV) હશે. આ ઉપરાંત મંત્રીઓ માટે પેટ્રોલની મર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી સરકારી તિજોરી પર બોજ ઘટે અને પર્યાવરણને પણ ફાયદો થાય.
કચેરીના સમયમાં ફેરફાર અને ટ્રાફિક મેનેજમેન્ટ
દિલ્હી સરકાર દ્વારા કચેરીઓના કામકાજના સમયમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. હવે દિલ્હી સરકારની ઓફિસો સવારે ૧૦:૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધી ચાલશે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓ સવારે ૮:૩૦ થી સાંજે ૫:૩૦ સુધી કાર્યરત રહેશે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પીક અવર્સ (ટ્રાફિકના સમય) દરમિયાન રસ્તાઓ પર ભીડ ઘટાડવાનો છે.
૫૦% બેઠકો ઓનલાઇન અને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. હવે દિલ્હી સરકારની ૫૦ ટકા બેઠકો ભૌતિક હાજરીને બદલે ઓનલાઇન (વિડિયો કોન્ફરન્સિંગ) દ્વારા યોજાશે. એટલું જ નહીં, કરકસરના પગલા તરીકે આગામી એક વર્ષ માટે મંત્રીઓ અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સાથે જ આગામી છ મહિના સુધી કોઈ નવા સરકારી વાહનોની ખરીદી પણ કરવામાં આવશે નહીં.
જનતાને અપીલ: ‘એક દિવસ વાહન વગર’
મુખ્યમંત્રીએ દિલ્હીવાસીઓને પણ આ અભિયાનમાં જોડાવા ભાવુક અપીલ કરી છે. તેમણે લોકોને અઠવાડિયામાં એક દિવસ પોતાના ખાનગી વાહનનો ઉપયોગ ન કરવા અને જાહેર પરિવહન કે મેટ્રોનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. દર સોમવારે સરકારી અધિકારીઓ પણ મેટ્રોનો ઉપયોગ કરશે. દિલ્હીની ૨૯ સરકારી વસાહતોથી મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે વિશેષ ૫૮ બસોના રૂટ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી કર્મચારીઓને સરળતા રહે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
