<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ડ્રગ્સ મુક્ત મુંબઈનો સંકલ્પ: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસે બાંદ્રા-વરલી સી લિંક રોશનીથી ઝળહળી ઉઠી!

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બાળકો અને નાગરિકો સાથે લીધા ડ્રગ્સ મુક્તિના શપથ; શાળાઓ-કોલેજોમાં વ્યાપક જાગૃતિ અભિયાન, વોર રૂમ અને હેલ્પલાઇન થશે શરૂ

મુંબઈ : આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ (International Day Against Drug Abuse) નિમિત્તે માયાનગરી મુંબઈમાં એક અદ્ભુત અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. 'ડ્રગ-મુક્ત મુંબઈ' ઝુંબેશના સમર્થનમાં મુંબઈની શાન ગણાતી આઇકોનિક બાંદ્રા-વરલી સી લિંક (Bandra-Worli Sea Link) ને એક ખાસ લેઝર લાઇટ શો દ્વારા ઝળહળતી કરવામાં આવી હતી. સમુદ્ર વચ્ચે રોશનીથી પ્રજ્વલિત થયેલી સી લિંકના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે, જેણે સમગ્ર શહેરમાં વ્યસન મુક્તિનો એક સશક્ત સંદેશ પહોંચાડ્યો છે.

મુખ્યમંત્રીએ કરી રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત

દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સત્તાવાર રીતે આ વિશિષ્ટ આંદોલનની શરૂઆત કરી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો અને ખાસ કરીને બાળકો તથા યુવા પેઢીને જાગૃત કરવાનો છે.

મુખ્યમંત્રીએ બાળકો, મહિલાઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મુંબઈકરો સાથે મળીને મુંબઈને ડ્રગ્સ મુક્ત બનાવવાની ગંભીર પ્રતિજ્ઞા લીધી હતી.

બાળકો સાથેનો 'સૂત્રોચ્ચાર' વીડિયો વાયરલ

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાના બાળકો સાથે અત્યંત પ્રેમપૂર્વક સંવાદ કરતા જોવા મળ્યા હતા. તેઓ બાળકો સાથે મળીને મુંબઈને ડ્રગ્સ મુક્ત કરવાના સમર્થનમાં ઉત્સાહભેર નારા લગાવી રહ્યા હોવાનો વીડિયો ઇન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

રાજ્યવ્યાપી જનઆંદોલન અને વોર રૂમ:

મહારાષ્ટ્ર સરકાર આ અભિયાનને માત્ર એક દિવસ પૂરતું સીમિત રાખવા નથી માંગતી. આ માટે રાજ્યભરની શાળાઓ અને કોલેજોમાં વર્ષ દરમિયાન કાઉન્સેલિંગ સેશન્સ, ગાઈડન્સ પ્રોગ્રામ્સ અને વિવિધ ઈન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે. ઉપરાંત, ડ્રગ્સ નેટવર્કને તોડવા અને પીડિતોને મદદ કરવા માટે વિશિષ્ટ સમિતિઓ, સમર્પિત હેલ્પલાઈન અને ખાસ 'વોર રૂમ' પણ બનાવવામાં આવ્યા છે.

(8:50 PM IST)