<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

ઝેરીલી હવા વચ્ચે સૂર્યપ્રકાશનો ચમકારો: દિલ્હી-NCRમાં AQI 300 થી નીચે જતાં લોકોને આંશિક રાહત, છતાં સંકટ હજુ ટળ્યું નથી

પવનની ગતિ વધતાં દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામમાં પ્રદૂષણના સ્તરમાં સામાન્ય ઘટાડો નોંધાયો : સવારે 400ને પાર પહોંચેલો AQI સાંજે 300ની નીચે સરક્યો : કડક નિયંત્રણો માટે GRAP-3 લાગુ અને હળવા વરસાદની આગાહી

નવી દિલ્હી :   છેલ્લા કેટલાક દિવસોથી ગૂંગળામણભરી અને ઝેરીલી હવાનો સામનો કરી રહેલા દિલ્હી-NCRના રહીશો માટે રવિવારનો દિવસ થોડી રાહત લઈને આવ્યો છે. પવનની ગતિમાં વધારો થવાને કારણે અને તડકો નીકળતા રાજધાની દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક 300થી નીચે નોંધાયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, રવિવારે સવારે 8 વાગ્યે દિલ્હીનો સરેરાશ AQI 351 ('ખૂબ જ ખરાબ' શ્રેણી) હતો, જ્યારે IIT દિલ્હી (426), ITO (415), નરેલા (411) અને દ્વારકા (409) જેવા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગયું હતું. જોકે, બપોર અને સાંજ સુધીમાં પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો અને દિલ્હીમાં AQI 280, નોઈડામાં 258, ગાઝિયાબાદમાં 235 અને ગુરુગ્રામમાં 290 પર આવી ગયો હતો.

હવાની ગુણવત્તામાં આ આંશિક સુધારો થયો હોવા છતાં, પ્રદૂષણનું જોખમ હજુ સંપૂર્ણપણે ટળ્યું નથી અને સવાર-સાંજના સમયે ધુમ્મસનું જાડું સ્તર યથાવત જોવા મળી રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા સમગ્ર દિલ્હી-NCRમાં GRAPનો ત્રીજો તબક્કો (GRAP-3) લાગુ કરી દેવામાં આવ્યો છે. આ કડક નિયમો હેઠળ ધૂળ ઉડાડતા બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમજ રસ્તાઓ પર સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પ્રશાસને નાગરિકોને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ) અપનાવવાની અપીલ કરી છે.

ઝેરીલા પ્રદૂષણની સૌથી માઠી અસર બાળકો, વૃદ્ધો અને શ્વસન સંબંધિત બીમારીઓથી પીડાતા દર્દીઓ પર થઈ રહી છે, જેના કારણે લોકોમાં આંખોમાં બળતરા, સતત ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો વધી છે. આરોગ્ય નિષ્ણાતોએ લોકોને વહેલી સવારની મોર્નિંગ વોક અને બહારની કસરત ટાળવાની તેમજ અનિવાર્ય સંજોગોમાં જ માસ્ક પહેરીને બહાર નીકળવાની સલાહ આપી છે. દરમિયાન, હવામાન વિભાગે દિલ્હીના કેટલાક ભાગોમાં હળવા વરસાદ કે ઝરમર છાંટા પડવાની આગાહી કરી છે, જેનાથી હવામાં રહેલા પ્રદૂષક રજકણો બેસી જશે અને લોકોને પ્રદૂષણમાંથી વધુ રાહત મળવાની આશા છે.

(10:12 PM IST)