<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ઉત્તરાખંડમાં વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે હાથ ધરાયેલા તાજેતરના ઓપિનિયન સર્વેમાં ભાજપનો વિજયધ્વજ લહેરાતો હોવાનો દાવો: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ૭૦ માંથી પ૪ બેઠકો મેળવીને શાસક પક્ષ ભવ્ય વાપસી કરશે

મુખ્ય વિપક્ષ કોંગ્રેસ માત્ર ૧૪ બેઠકો સુધી સીમિત રહેવાનું અનુમાન, યુનિફોર્મ સિવિલ કોડ, કડક નકલ વિરોધી કાયદો અને મહિલા અનામત જેવા નીતિગત નિર્ણયોને કારણે ધામી સરકાર પ્રત્યે જનતાનો વિશ્વાસ અકબંધ હોવાનું તારણ

​દહેરાદૂન: ઉત્તરાખંડમાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યનું રાજકીય તાપમાન પારાવાર વધી ગયું છે. તાજેતરમાં હાથ ધરાયેલા એક વ્યાપક ઓપિનિયન સર્વેના ચોંકાવનારા અને મહત્વપૂર્ણ આંકડા સામે આવ્યા છે, જે અનુસાર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યમાં ફરી એકવાર પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. સર્વેના પરિણામો મુજબ, જો અત્યારે ચૂંટણી યોજાય તો ૭૦ સભ્યોની ઉત્તરાખંડ વિધાનસભામાં ભાજપ ૫૪ જેટલી બેઠકો પર ભવ્ય જીત નોંધાવી શકે છે. આ તરફ મુખ્ય વિરોધી પક્ષ કોંગ્રેસ માટે આંકડા અત્યંત આંચકાજનક રહ્યા છે, કારણ કે સર્વેમાં કોંગ્રેસ માત્ર ૧૪ બેઠકો સુધી જ સમેટાઈ જવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

​આ સર્વેક્ષણમાં રાજ્યના તમામ વર્ગો, વયજૂથો અને સામાજિક સમીકરણોના આધારે મતદાતાઓનો મૂડ પારખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આંકડા દર્શાવે છે કે ધામી સરકાર દ્વારા લેવાયેલા મુખ્ય નીતિગત નિર્ણયો, જેમ કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC), કડક નકલ વિરોધી કાયદો, મહિલા સશક્તિકરણ અને 'દેવભૂમિ'ના મૂળ સાંસ્કૃતિક સ્વરૂપને જાળવી રાખવાના પ્રયાસોને જનતાનો વ્યાપક ટેકો મળી રહ્યો છે. સર્વેમાં ભાગ લેનારા ૮૮ ટકા લોકોએ મહિલા અનામતના નિર્ણયને પૂર્ણ સમર્થન આપ્યું છે, જ્યારે ૭૦ ટકા લોકોએ રાજ્યની સાંસ્કૃતિક ઓળખ રક્ષિત કરવાના પ્રયાસોને બિરદાવ્યા છે.

​સામાજિક અને વયજૂથના સમીકરણો પર નજર કરીએ તો, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની લોકપ્રિયતા દરેક સમાજ અને પેઢીમાં જોવા મળી રહી છે. વૈશ્ય/બનિયા વર્ગમાં ૫૭.૩ ટકા, ઓબીસીમાં ૫૦.૬ ટકા, પંજાબી-સિક્ખ સમાજમાં ૪૯.૭ ટકા, બ્રાહ્મણ વર્ગમાં ૪૬.૩ ટકા, રાજપૂત વર્ગમાં ૪૬.૧ ટકા અને અનુસૂચિત જાતિ (SC) વર્ગમાં ૪૫.૩ ટકા લોકોએ ધામી સરકારના કામકાજ પ્રત્યે મંજૂરીની મહોર મારી છે. આ ઉપરાંત, ૧૮ થી ૨૫ વર્ષના યુવા મતાધિકારીઓથી લઈને ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ વયજૂથમાં ભાજપ અને સીએમ ધામી પ્રત્યે સકારાત્મક વલણ નોંધાયું છે. આ સર્વેના પરિણામો ૨૦૨૭ની ચૂંટણી પહેલા શાસક પક્ષ માટે મોટો ઉત્સાહવર્ધક સંકેત માની શકાય છે.

(10:26 AM IST)