News of Monday, 20th July 2026
જાપાનના રાજકીય ઇતિહાસમાં ક્રાંતિકારી કદમ: પ્રસૂતિ રજા (Maternity Leave) લેનાર દેશના પ્રથમ વર્તમાન મેયર બન્યા શોકો કાવાટા, સોશિયલ મીડિયા પર થઈ ઉગ્ર ચર્ચા!
૩૩ વર્ષની ઉંમરે જાપાનના સૌથી નાની વયના મહિલા મેયર બનીને ઇતિહાસ રચનાર કાવાટાએ પદ માટે જાતે જ બનાવ્યું નવું માળખું; સંપૂર્ણ પગાર સાથે રજા મેળવવા બાબતે જનતામાં મિશ્ર પ્રતિભાવ

ટોક્યો: વિશ્વના સૌથી અદ્યતન દેશોમાં ગણાતા જાપાનના રૂઢિચુસ્ત રાજકારણમાં એક અત્યંત ઐતિહાસિક અને પ્રેરણાદાયી પરિવર્તન જોવા મળ્યું છે. પશ્ચિમ જાપાનના આશરે ૬૯,૦૦૦ ની વસ્તી ધરાવતા યાવતા (Yawata) શહેરના મેયર શોકો કાવાટા (Shoko Kawata) સોમવારે સત્તાવાર રીતે પ્રસૂતિ રજા પર ઉતરી ગયા છે. આ સાથે જ તેઓ જાપાનના ઇતિહાસમાં પોતાના કાર્યકાળ દરમિયાન ગર્ભાવસ્થાની રજા લેનારા પ્રથમ વર્તમાન મેયર બની ગયા છે. આ અનોખા અને હિંમતભર્યા કદમે આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
મેયરના હોદ્દા માટે કોઈ નિયમ નહોતો, જાતે જ બનાવ્યું નવું માળખું
વર્ષ ૨૦૨૩ માં માત્ર ૩૩ વર્ષની નાની ઉંમરે જાપાનના સૌથી નાની વયના મહિલા મેયર તરીકે ચૂંટાઈને સનસનાટી મચાવનાર શોકો કાવાટાએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશાંથી સંતાન પ્રાપ્ત કરવાની યોજના ધરાવતા હતા. આશ્ચર્યની વાત એ છે કે, યાવતા શહેરના સામાન્ય સરકારી કર્મચારીઓને ૧૬ અઠવાડિયાની પ્રસૂતિ રજા મળવાપાત્ર છે, પરંતુ મેયર જેવા ઉચ્ચ વહીવટી પદ માટે કાયદામાં આવી કોઈ જોગવાઈ જ નહોતી! આ માટે કાવાટાએ પોતે આગળ આવીને આ પદ માટે એક આખું નવું કાનૂની માળખું સ્થાપિત કરવું પડ્યું હતું.
ઘટતા જન્મદર વચ્ચે મોટા સુધારાની હાકલ
જાપાન હાલમાં વિશ્વના સૌથી નીચા જન્મદર અને ઝડપથી ઘટતી વસ્તીના ગંભીર સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. આ અંગે પોતાના વિચારો રજૂ કરતા મેયર કાવાટાએ જણાવ્યું હતું કે, "લોકો લિંગ સમાનતા અને કાર્યશૈલીમાં સુધારાની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ આપણે એક એવો સમાજ બનાવવાની જરૂર છે જેમાં નેતૃત્વની ભૂમિકાઓ (Leadership Roles) સહિત તમામ વ્યવસાયોના લોકો બાળકો પેદા કરવામાં સહેજ પણ અચકાય નહીં. જો આવું નહીં થાય તો આર્થિક બગાડ અને વસ્તીમાં ઘટાડો અનિવાર્ય છે." ગત અઠવાડિયે યોજાયેલા પરંપરાગત 'તાઈકો ઉત્સવ' માં પણ ભારે ગર્ભવતી હોવા છતાં તેઓ સરઘસની પાછળ પગપાળા ચાલીને સામેલ થયા હતા.
ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ: આગામી સપ્ટેમ્બર મહિનામાં પોતાના બાળકને જન્મ આપનાર કાવાટાના આ નિર્ણયને સ્થાનિક રહેવાસીઓ તરફથી મોટો ટેકો મળ્યો છે, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા તેમની આકરી ટીકા પણ કરવામાં આવી રહી છે. ટ્રોલર્સે એવા આક્ષેપો કર્યા હતા કે તેઓ કામ કરવાને બદલે માત્ર રજાઓ ભોગવી રહ્યા છે. આ ટીકાઓ પર નિરાશા વ્યક્ત કરતા મેયર કાવાટાએ કહ્યું કે, માત્ર પ્રસૂતિ રજાના મુદ્દાને પકડીને ઓનલાઈન નકારાત્મકતા ફેલાવવી દુઃખદ છે. આ ઉપરાંત, કેટલાક સ્થાનિક લોકોએ રજા દરમિયાન તેમને મળનારા ૧૦૦% (સંપૂર્ણ) પગાર સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
