<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

સામાન્ય પ્લાસ્ટિક ફેક્ટરીથી લઈને દેશના અગ્રણી બિઝનેસ ટાયકૂન બનવા સુધીની ગૌતમ અદાણીની પ્રેરણાદાયી સફર: 21 વર્ષની વયે દક્ષિણ કોરિયામાં કરી હતી કારકિર્દીની સૌથી મોટી પ્રથમ ડીલ

જીવનના શરૂઆતના સંઘર્ષોથી લઈને મોટું જોખમ ખેડીને બિઝનેસ સામ્રાજ્ય ઊભું કરવા સુધીની રોચક કહાની; ટ્રેનના ફ્લોર પર સૂઈને વેપારના ગુરુ શીખનાર અદાણી આજે બન્યા છે અબજોપતિ 'ઇન્ફ્રા કિંગ'.

નવી દિલ્હી, તા.20: ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને દિગ્ગજ અબજોપતિ ગૌતમ અદાણીની સફળતા પાછળના સંઘર્ષની કહાનીઓ હંમેશાં પ્રેરણાદાયી રહી છે. ૨૧ વર્ષની યુવા વયે દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મૂકીને આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રમાં શાનદાર પગલાં માંડનાર ગૌતમ અદાણીની આ સફર સામાન્ય પ્લાસ્ટિક પેકેજિંગના વ્યવસાયથી શરૂ થઈને આજે આખી દુનિયામાં ફેલાયેલા વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામ્રાજ્ય સુધી પહોંચી છે.

 

૧૯૮૦ના દાયકામાં અદાણી પરિવાર પ્લાસ્ટિક પેકેજિંગનો નાનો વ્યવસાય સંભાળતો હતો, પરંતુ ગૌતમ અદાણીની વિચારસરણી અન્ય લોકો કરતાં તદન અલગ હતી. પેકેજિંગના કાચા માલ (પીવીસી) ની કિંતોમાં સતત થતી વધઘટને પારખીને તેમણે સ્થાનિક સપ્લાયર્સ પર નિર્ભર રહેવાને બદલે સીધા વિદેશથી માલ આયાત કરવાનો મોટો નિર્ણય લીધો હતો, જેના માટે તેમણે મુંબઈના અનુભવી વેપારીઓ સાથે હાથ મિલાવ્યા હતા.

 

વેપારીઓની ગૂંચવણો શીખવા માટે તેઓ વરિષ્ઠ વેપારીઓ સાથે નાઇટ ટ્રેનોમાં મુસાફરી કરતા હતા. તેમની પાસે બીજા વર્ગની ટિકિટ હોવા છતાં તેઓ પ્રથમ વર્ગના ડબ્બામાં જઈને વ્યાપારી વાતો શીખતા અને રાત્રે ટ્રેનના ફ્લોર પર સૂઈ જતા હતા. તેમનો આ અદભુત શીખવાનો જુસ્સો અને જોખમ ખેડવાની ક્ષમતા જ તેમને ભવિષ્યના સફળ ઉદ્યોગપતિ તરીકે ઘડી રહી હતી.

 

જૂન ૧૯૮૩માં દક્ષિણ કોરિયા પહોંચીને તેમણે પોતાના જીવનનો પ્રથમ મોટો આંતરરાષ્ટ્રીય સોદો પાર પાડ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે તેમની ફેક્ટરીની વાસ્તવિક જરૂરિયાત માત્ર ૨૦ ટન પીવીસીની હતી, પરંતુ તેમણે પોતાની ક્ષમતા કરતા દસ ગણો એટલે કે ૨૦૦ ટન માલ આયાત કરવાનો મોટો ઓર્ડર આપ્યો હતો. બેંકના અધિકારીઓને સમજાવીને લેટર ઓફ ક્રેડિટ મંજૂર કરાવીને તેમણે સાબિત કરી દીધું કે મોટો નફો મેળવવા માટે મોટું જોખમ લેવું જરૂરી છે.

 

જરૂરી જથ્થો રાખીને બાકીનો માલ અન્ય નાના વ્યવસાયોને વેચીને તેમણે નોંધપાત્ર નફો કમાવ્યો અને આ રીતે એક સામાન્ય પેકેજિંગ ઉત્પાદકમાંથી તેઓ કોમોડિટી વેપારી બન્યા. વ્યવસાયિક સફર દરમિયાન અનેક મુશ્કેલીઓ અને આર્થિક નુકસાનનો સામનો કરવા છતાં ક્યારેય પાછા ન હટવાના તેમના નિર્ભય અભિગમે જ ૧૯૮૮માં અદાણી એન્ટરપ્રાઇઝનો પાયો નાખ્યો હતો.

 

આજે અદાણી ગ્રુપ વિશ્વભરમાં પોર્ટ્સ, ઊર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અગ્રેસર છે. ટ્રેનના ફ્લોર પર બેસીને વેપારના પાઠ શીખનાર ગૌતમ અદાણીની આ અસાધારણ સફર સાબિત કરે છે કે દ્રઢ મનોબળ, સાચા નિર્ણયો અને અથાક મહેનતથી કોઈપણ સામાન્ય યુવાન શિખરો સર કરી શકે છે.

(4:17 PM IST)