News of Saturday, 25th July 2026
NEET પરીક્ષા વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પદ પરથી રાજીનામું; લોકશાહી અને દેશના યુવાનોના મોટા સંઘર્ષની ઐતિહાસિક જીત ગણાવતા અરવિંદ કેજરીવાલ
દેશના નાગરિકોનો લોકશાહી પરથી ભરોસો ઉઠી રહ્યો હતો ત્યારે જનતાના પ્રચંડ વિરોધ પ્રદર્શન સામે ઝૂકીને આખરે સરકારે નિર્ણય લેવો પડ્યો હોવાનો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકનો મોટો દાવો; હવે નીટ (NEET) પરીક્ષાની સમગ્ર સિસ્ટમમાં જરૂરી સુધારા થશે તેવી વ્યક્ત કરી આશા

નવી દિલ્હી: દેશભરમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા 'નીટ' (NEET) ને લઈને ચાલી રહેલા ભારે વિવાદ અને વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શિક્ષણ મંત્રીના આ રાજીનામા બાદ દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જંતર-મંતર સહિતના સ્થળો પર ઉજવણી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રીના આ આકસ્મિક રાજીનામા પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાક્રમને દેશના યુવાનો અને લોકશાહીની એક બહુ મોટી જીત ગણાવી છે અને આંદોલન કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આ દેશમાં લોકશાહી જીવંત છે અને સરકાર ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, તેણે જનતાનો અવાજ સાંભળવો જ પડશે. દેશના યુવાનોએ જે પ્રકારે અન્યાય સામે લાંબો સંઘર્ષ કર્યો, આખરે તેનું ફળ મળ્યું છે અને શિક્ષણ મંત્રીને મજબૂર થઈને પોતાની ખુરશી છોડવી પડી છે. છેલ્લા કેટલાક સમયથી દેશના સામાન્ય નાગરિકોનો લોકશાહી શાસનવ્યવસ્થા પરથી ભરોસો ડગમગવા લાગ્યો હતો. લોકોને એવું લાગી રહ્યું હતું કે સરકારો તેમની કોઈ વાત સાંભળતી નથી અને પ્રજાએ માત્ર હાથ જોડીને ગુહાર જ લગાવવી પડે છે. પરંતુ આટલા મોટા જન આંદોલન અને સંઘર્ષ બાદ સરકારે નમવું પડ્યું છે, જે સાબિત કરે છે કે લોકશાહીમાં જનતા જ સર્વોપરી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ હવે નીટ (NEET) પરીક્ષાના કથળેલા માળખામાં યોગ્ય અને કડક સુધારા કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય.
બીજી તરફ, પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, છેલ્લા ૧૦ દિવસના ઘટનાક્રમથી તેઓ વ્યક્તિગત રીતે અત્યંત દૂખી થયા છે. આ બાબત તેમની કોઈ અંગત પ્રતિષ્ઠાની નથી, પરંતુ તેઓ પ્રથમ દિવસથી જ આ સમગ્ર પરિસ્થિતિની નૈતિક જવાબદારી સ્વીકારે છે. દિલ્હીના જંતર-મંતર અને દેશના અન્ય ભાગોમાં જે અશાંતિનો માહોલ ઊભો થયો છે, તેનો દેશવિરોધી તત્વો ખોટો લાભ ન ઉઠાવે અને દેશની એકતા અખંડ રહે તે માટે આ નિર્ણય લેવો જરૂરી હતો. ભારતનો એક પણ વિદ્યાર્થી કાનૂની ગૂંચવણોમાં ન ફસાય અને પોતાનું ધ્યાન માત્ર અભ્યાસ તેમજ કરિયર પર કેન્દ્રિત કરી શકે, તેવા રાષ્ટ્રહિતના વ્યાપક વિચાર સાથે તેમણે પ્રધાનમંત્રીને પોતાનો ત્યાગપત્ર મોકલી આપ્યો છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
