<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

અમેરિકામાં દસ વર્ષના બાળકે ગોળી મારી તરુણીની હત્‍યા કરી

હેલોવીન ઉજવણીમાં પડોશીઓની બબાલનો કરુણ અંજામ : માતા સામે હત્‍યાનો ગુનો નોંધાયો, બાળક સામે કાનૂની કાર્યવાહી ન કરાતા બાળસંરક્ષણ વિભાગને સોંપાયો

નવી દિલ્‍હી,તા.૨૧: અમેરિકાના ન્‍યુ મેક્‍સિકો રાજ્‍યના અલ્‍બુકર્કમાં હેલોવીનના દિવસે પડોશીઓ વચ્‍ચે થયેલા ઝઘડાએ ભયાનક સ્‍વરૂપ ધારણ કર્યું હતું. અવાજના વિવાદમાં શરૂ થયેલી બોલાચાલી અને મારામારી દરમ્‍યાન ૪૦ વર્ષીય એલેઈના ગોમેઝ-વિલેડાની વિનંતીથી તેના દસ વર્ષના પુત્રએ ઘરમાંથી પિસ્‍તોલ લાવી બે ગોળી ચલાવી હતી, જેમાં સોળ વર્ષીય કેઈનરલિન પ્‍લાઝા રંગેલનું મોત થયું હતું.

પોલીસ દ્વારા જાહેર કરાયેલા ઘરના સીસીટીવી વીડિયોમાં બંને મહિલાઓ એકબીજાને મારતી અને વાળ ખેંચતી જોવા મળે છે. આ દરમ્‍યાન એલેઈનાએ પોતાના પુત્રને બંદૂક લાવવા કહ્યું હતું. બાળકે બંદૂક લાવી બંને મહિલાઓ તરફ તાકી ગોળીબાર કર્યો હતો. ગોળી રંગેલના માથામાં વાગતા તેનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. દીકરીના મોતના સમાચાર મળતા તેના પિતા કેઈનર પ્‍લાઝા ગુસ્‍સામાં પડોશીના ઘરે પહોંચ્‍યા હતા. ત્‍યાર પછી એલેઈનાએ તેની તરફ પણ બંદૂકથી ગોળી ચલાવી હતી. પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી ત્‍યારે એલેઈનાના હાથમાં બંદૂક હતી. પોલીસે તેના પર બે ગોળી ચલાવી હતી, પરંતુ તે વાગી નહોતી.

આ કેસમાં એલેઈના સામે શરૂઆતમાં પ્રથમ ડિગ્રી હત્‍યાનો આરોપ મુકાયો હતો, જેને પછીથી ગ્રાન્‍ડ જ્‍યુરીએ ઘટાડીને બીજી ડિગ્રી હત્‍યાનો કર્યો. બાળક સામે હાલમાં કોઈ ગુનો નોંધાયો નથી અને તેને બાળસંરક્ષણ વિભાગને સોંપાયો છે. તેની વયને કારણે કાનૂની કાર્યવાહી નથી કરાઈ. માતા સામે બાળકને બંદૂકની પહોંચમાં રાખવાનો આરોપ પણ છે.

(10:19 AM IST)