News of Saturday, 26th September 2026
‘એક આતંકવાદી દેશ મને સવાલ પૂછી રહ્યો છે'
પાકિસ્તાની પત્રકાર પર જયશંકરનો આકરો પ્રહાર

ન્યૂયોર્ક તા.૨૬: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ખાતે યોજાયેલી પ્રેસ બ્રીફિગ દરમિયાન આતંકવાદ અંગે સવાલ પૂછવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાની પત્રકારને વિદેશ મંત્રી એસ. જયશંકરે કડક શબ્દોમાં આપ્યો જવાબ, કહ્યું કે... એક આતંકવાદી દેશ મને પ્રશ્ન પૂછી રહ્યો છે
વિદેશ મંત્રી એસ. જયશંકરએ ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે પ્રેસ બ્રીફિગ દરમિયાન સ્ટેટ-સ્પોન્સર્ડ (રાજ્ય પુરસ્કૃત) આતંકવાદ અંગે સવાલ પૂછવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાની પત્રકારને સણસણતો જવાબ આપ્યો હતો. શુક્રવારે યુએન જનરલ એસેમ્બલી ના ૮૧મા સત્ર દરમિયાન આ તીખી બોલાચાલી થઈ હતી, જ્યાં જયશંકરે આતંકવાદી નેટવર્કને આશરો આપવાના દાગીદાર ઈતિહાસ ધરાવતા દેશ તરફથી આવેલા આ આરોપને સખત શબ્દોમાં ફગાવી દીધો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને લાઈબેરિયા (Liberia) ના વિદેશ મંત્રી સારા બેસોલો ન્યાન્તી ‘ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ ઓન સેફટી એન્ડ સિક્યોરિટી ઓફ શિપિગ એન્ડ સીફેરર્સ‘ નામના નવા બહુપક્ષીય પહેલના લોન્ચિંગ અંગે સંયુક્ત પ્રેસ બ્રીફિગ પૂર્ણ કરી રહ્યા હતા. આયોજકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ વાતચીત માત્ર પ્રારંભિક વક્તવ્ય પૂરતી મર્યાદિત હતી અને કોઈ પ્રશ્નોત્તરી (Q&A) સત્ર નહોતું. છતાં, એક પાકિસ્તાની પત્રકારે વચ્ચેથી બૂમ પાડીને પૂછ્યું, તમારી સરકાર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું ક્યારે બંધ કરશે?
કોઈપણ હિચકિચાટ વિના, પોડિયમ પરથી બહાર નીકળતા પહેલા જયશંકરે એક જ લીટીમાં ધારદાર જવાબ આપ્યોઃ એક આતંકવાદી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે. કમ ઓન! વિદેશ મંત્રીના આ આકરા પ્રહારને સમર્થન આપતાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વથાનેનીએ પત્રકારને કહ્યું, તમને તમારો જવાબ મળી ગયો છે. તમે મોટેથી અને સ્પષ્ટ રીતે તમારો જવાબ સાંભળી લીધો છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
