<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

બિહારના આરામાં કચરામાંથી સોનું શોધવાનો અનોખો વ્યવસાય: ગટરના કાંપ અને ધૂળમાંથી કિંમતી ધાતુ મેળવવા રાજસ્થાન-એમપીથી આવે છે લોકો

ગુદરી બજાર અને જગજીવન માર્કેટ સોના-ચાંદીના હબ, ઝવેરાત ઘડતી વખતે ઉડતા સૂક્ષ્મ રજકણો ગટરમાં જમા થાય છે; ઘરની ધૂળની પણ બોલી લાગે છે

પટણા તા.૩૧ : બિહારના ભોજપુર જિલ્લાના આરા શહેરમાં કચરામાંથી સોનું શોધવાનો અનોખો વ્યવસાય ચાલી રહ્યો છે. અહીંનું ગુદરી બજાર અને જગજીવન માર્કેટ સોના-ચાંદીના વેપાર માટે પ્રખ્યાત છે. અહીં દિવસ-રાત ઘરેણાં બનાવવા, કાપવા, ઘસવા અને પોલિશ કરવાનું કામ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન સોનાના અતિ સૂક્ષ્મ કણો હવામાં ઉડીને ફર્શની ધૂળ, બુરાદા અને પાણી સાથે વહીને ગટરોમાં પહોંચી જાય છે.

 

ગટરમાં જમા થતા આ કાંપ અને કચરામાંથી સોનાના કણો શોધવાનું કામ અહીંના કેટલાક કારીગરો કરે છે. તેઓ ગટરની ગાદ એકઠી કરીને રાસાયણિક અને પરંપરાગત રીતે ધોઈને તેમાંથી સોનાના ચમકતા કણો અલગ કરે છે. ક્યારેક નસીબથી સારું સોનું મળી જાય છે તો ક્યારેક માત્ર માટી જ હાથ લાગે છે.

 

આ વ્યવસાયનું આકર્ષણ એટલું છે કે સ્થાનિક લોકો ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા દૂરના રાજ્યોમાંથી પણ લોકો આરા આવે છે. 

 

રસપ્રદ વાત એ છે કે અહીં ઘરોમાંથી નીકળતી ધૂળને પણ કચરો સમજીને ફેંકવામાં આવતી નથી. મહિલાઓ આખા વર્ષની ઝાડુ-પોતાની ધૂળ ભેગી કરીને રાખે છે અને દિવાળીની સફાઈ વખતે આ ધૂળ-કચરાની બોલી લાગે છે. વેપારીઓ સારા ભાવ આપીને આ કચરો ખરીદી જાય છે કારણ કે તેમાં સોનાના કણો હોવાની શક્યતા હોય છે.

(4:02 PM IST)