તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 15th September 2026
લાલબાગચા રાજાના દરબારમાં શ્રદ્ધા અને રમતગમતનો અનોખો સંગમ: ભક્તે બાપ્પાના ચરણોમાં અર્પણ કર્યું ખાસ ક્રિકેટ બેટ!
દાનપેટીમાંથી સોના-ચાંદીના દાગીના, અમેરિકન ડોલરનો હાર અને રોકડ સાથે મળેલી અનોખી ભેટ આકર્ષણનું કેન્દ્ર બની; વિડીયો વાયરલ થતાં ભક્તની શ્રદ્ધાના ચારેય તરફ વખાણ

મુંબઈ : મુંબઈના વિશ્વપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા'ના મંડપમાં ગણેશોત્સવ દરમિયાન શ્રદ્ધા, આસ્થા અને રમતગમતનો એક અત્યંત અનોખો સંગમ જોવા મળ્યો છે. દેશભરમાં જ્યારે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે એક ક્રિકેટપ્રેમી ભક્તે બાપ્પા પ્રત્યેની પોતાની ગાઢ ભક્તિ વ્યક્ત કરતા લાલબાગચા રાજાના ચરણોમાં એક ખાસ ક્રિકેટ બેટ અર્પણ કર્યું છે. આ બેટના પાછળના ભાગે સુંદર અક્ષરોમાં 'લાલબાગચા રાજા' કોતરીને અંકિત કરવામાં આવ્યું છે, જે મંડપમાં આવતા લાખો ભક્તો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
સામાન્ય રીતે ગણપતિ બાપ્પાના ચરણોમાં ભક્તો દ્વારા રોકડ રકમ, સોના-ચાંદીના આભૂષણો, મોદક કે પરંપરાગત મીઠાઈઓ ધરાવવામાં આવતી હોય છે. જોકે, આ વર્ષે દાનપેટીમાંથી વિદેશી ચલણ (યુએસ ડોલર), બેંક ચેક, સોનાના મોદક અને કરોડોની રોકડ સાથે આ ક્રિકેટ બેટ પણ પ્રાપ્ત થયું છે. ભારતમાં ક્રિકેટ અને ધર્મ બંને લોકોના દિલની ખૂબ નજીક છે, ત્યારે આ ભક્તે પોતાની ખેલભાવના અને ગણેશ ભક્તિને એકસાથે જોડીને અનોખી રીતે આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર આ બેટના દ્રશ્યો વાયરલ થતાં જ લોકો તેની ક્રિએટિવિટીના મુક્ત મને વખાણ કરી રહ્યા છે.
લાલબાગચા રાજા મંડળ દ્વારા દાનપેટીમાં એકત્રિત થયેલી તમામ રોકડ અને મૂલ્યવાન વસ્તુઓની ગણતરી બેંક અધિકારીઓની હાજરીમાં કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવે છે. ઉત્સવ પૂર્ણ થયા બાદ સોના-ચાંદીની વસ્તુઓ તેમજ અન્ય ખાસ ભેટોની જાહેર હરાજી યોજવામાં આવે છે. આ હરાજીમાંથી પ્રાપ્ત થતી તમામ રકમનો ઉપયોગ મંડળ દ્વારા ચલાવવામાં આવતા ફ્રી ડાયાલિસિસ સેન્ટર, દર્દી સહાય યોજના અને વિદ્યાર્થીઓ માટેની બુક બેંક જેવા સામાજિક અને જનકલ્યાણના કાર્યોમાં કરવામાં આવે છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
