News of Tuesday, 23rd June 2026
૧ જુલાઈથી બદલાઈ રહ્યો છે આધારનો નિયમઃ ફ્રીમાં અપડેટ કરી શકશો વિગતોઃ નહીં ચૂકવવા પડે પૈસા
UIDAIએ આધાર કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. ૧ જુલાઈ, ૨૦૨૬થી મોબાઇલ એપ્લિકેશન દ્વારા આધારમાં ઇમેઇલ ID એડ કરવા અથવા અપડેટ કરવા માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. હાલમાં આ સર્વિસ માટે રૃ.૭૫ ફી લેવામાં આવે છે

નવી દિલ્હી,તા.૨૩: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ જાહેરાત કરી છે કે, ૧ જુલાઈ, ૨૦૨૬થી આધાર મોબાઇલ એપ દ્વારા ઇમેઇલ ID અપડેટ કરવા માટે હવે ૭૫ રૃપિયા ફી ચૂકવવી પડશે નહીં. જોકે, આ મુકિત મર્યાદિત સમયગાળા માટે રહેશે. આધાર કાર્ડ દેશના સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજોમાંનું એક છે, જેનો વ્યાપકપણે બેંકિગ, સરકારી યોજનાઓ, ડિજિટલ સેવાઓ અને વિવિધ વેરિફિકેશન પ્રક્રિયાઓ માટે ઉપયોગ થાય છે. પરિણામે, આ જાહેરાત આધાર ધારકો માટે મહત્વપૂર્ણ છે.
મીડિયા અહેવાલ મુજબ, UIDAIએ આ મફત સર્વિસની જાહેરાત કરતી સૂચના જારી કરી છે. હાલમાં આધારમાં ઇમેઇલ ID અપડેટ કરવા માટે રૃ.૭૫ની ફી લેવામાં આવે છે. અહેવાલમાં જણાવાયું છે કે ૧ જુલાઈ, ૨૦૨૬થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી આધાર મોબાઇલ એપ દ્વારા તેમના ઇમેઇલ અપડેટ કરનારા વ્યકિતઓએ આ ફી ચૂકવવી પડશે નહીં.
આ છૂટ ફકત આધાર મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલા ઇમેઇલ અપડેટ્સ પર લાગુ પડે છે. જો કોઈ વ્યકિત અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તેમના ઇમેઇલ અપડેટ કરે છે, તો રૃ.૭૫ ફી લાગુ થઈ શકે છે. ઇમેઇલ IDને આધાર સાથે લિક કરવાથી મહત્વપૂર્ણ સૂચનાઓ અને અપડેટ્સ સમયસર પ્રાપ્ત થાય છે.
સૌપ્રથમ તમારા સ્માર્ટફોન પર આધાર મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. એપ્લિકેશનમાં લોગ ઇન કર્યા પછી 'પ્રોફાઇલ' વિભાગ પર નેવિગેટ કરો અને 'અપડેટ ઇમેઇલ' વિકલ્પ પસંદ કરો. આગળ તમારું નવું ઇમેઇલ ત્ઝ્ર દાખલ કરો અને ઓન-સ્ક્રીન સૂચનાઓનું પાલન કરો. એકવાર વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી તમારી રિકવેસ્ટ સબમિટ કરવામાં આવશે. યુઝર્સ એપ્લિકેશન દ્વારા તેમની રિકવેસ્ટની સ્થિતિ ટ્રેક કરી શકે છે. ૧ જુલાઈ, ૨૦૨૬ અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ વચ્ચે આ પ્રક્રિયા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.
તમારા ઇમેઇલ IDને અપડેટ કરવા ઉપરાંત આધાર એપ્લિકેશન તમારા મોબાઇલ નંબર અને એડ્રેસને અપડેટ કરવા, ઇ-આધાર ડાઉનલોડ કરવા, અપડેટ હિસ્ટ્રી તપાસવા અને નવા અપડેટ્સની સ્થિતિ ટ્રેક કરવા જેવી વિવિધ સર્વિસ આપે છે. આ માટે આધાર નંબર અને આધાર સાથે નોંધાયેલ મોબાઇલ નંબરની જરૃર પડશે. આધાર મોબાઇલ એપ્લિકેશન યુઝર્સ માટે ડિજિટલ સેવાઓનો ઉપયોગ વધુ સરળ બનાવશે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
