<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

આશિકી ભારે પડીઃ શિક્ષકની નોકરી જોઈ ૩ બાળકો છોડી પ્રેમી સાથે જતી રહી, હવે ૩ રાજ્‍યો વચ્‍ચે ફસાઈ

મધ્‍ય પ્રદેશની રહેવાસી એક મહિલાએ હરિયાણાના રહેવાસી એક શિક્ષક પર ચાર વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહી દુષ્‍કર્મ અને દગો આપવાનો ગંભીર આરોપ લગાવ્‍યો : હવે ન તો તેને ન્‍યાય મળી રહ્યો છે, ન તો કોઈ મદદઃ પીડિતા છેલ્‍લા ૧૦થી ૧૫ દિવસથી ઝુંઝુનૂ કોતવાલી અને એસપી કાર્યાલયના ચક્કર કાપી રહી છે

ઝુંઝુનૂ તા.૧૮: મધ્‍ય પ્રદેશની રહેવાસી એક મહિલાએ હરિયાણાના રહેવાસી એક શિક્ષક પર ચાર વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહી દુષ્‍કર્મ અને દગો આપવાનો ગંભીર આરોપ લગાવ્‍યો છે. મહિલાનું કહેવું છે કે પ્રેમ સંબંધ પર વિશ્વાસ કરીને તે પોતાના પતિને છૂટાછેડા આપી પોતાના ત્રણ બાળકોને પણ છોડી દીધા, પણ હવે ન તો તેને ન્‍યાય મળી રહ્યો છે, ન તો કોઈ મદદ. પીડિતા છેલ્‍લા ૧૦થી ૧૫ દિવસથી ઝુંઝુનૂ કોતવાલી અને એસપી કાર્યાલયના ચક્કર કાપી રહી છે, પણ કાર્યવાહી નહીં થવાથી હેરાન થઈ ગઈ છે.

પીડિતાએ જણાવ્‍યું છે કે વર્ષ ૨૦૨૨માં મધ્‍ય પ્રદેશના ડિડૌરી જિલ્‍લામાં આરોપી શિક્ષકની પોસ્‍ટિંગ દરમ્‍યાન બંનેની મુલાકાત થઈ હતી. ધીમે ધીમે એકબીજાની નજીક આવ્‍યા અને શિક્ષકે તેની સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો. આ વિશ્વાસ પર મહિલાએ મોટો નિર્ણય લેતા પોતાના પરિવારને છોડી દીધો અને તેની સાથે રહેવા લાગી. શરુઆતમાં બંને મધ્‍ય પ્રદેશમાં સાથે રહ્યા અને બાદમાં શિક્ષક તેને ઝુંઝુનૂ લઈ આવ્‍યો, જ્‍યાં ચૂરુ રોડ પર એક ભાડાના મકાનમાં બંને સાથે રહેવા લાગ્‍યા.

મહિલાના જણાવ્‍યા અનુસાર, લગભગ ત્રણ વર્ષ સુધી સાથે રહેવા છતાં જ્‍યારે આરોપીએ લગ્ન ન કર્યા તો તેણે પ્રેશર બનાવવાનું શરુ કરી દીધું. આરોપ છે કે ત્‍યાર બાદ શિક્ષક તેને હરિયાણાના મહેન્‍દ્રગઢ લઈ ગયો, જ્‍યાં તેમણે મૈત્રી કરાર તૈયાર કર્યો અને ફરીથી વિશ્વાસ અપાવ્‍યો. મહિલાનું કહેવું છે કે આ ખાલી તેની સાથે સંબંધ બાંધવા અને ગુમરાહ કરવા માટે કર્યું હતું.

પીડિતાએ આરોપ લગાવ્‍યો કે બાદમાં શિક્ષકે તેને ભાડાના મકાનમાંથી કાઢી મુકી. ત્‍યાર બાદ તે મજબૂર થઈને ઝુંઝુન સ્‍થિત શક્‍તિ સદનમાં રહેવા લાગી. મહિલાએ જણાવ્‍યું કે હવે તેની સામે રહેવા અને ભવિષ્‍ય બંનેની મોટી સમસ્‍યા ઊભી થઈ ગઈ છે. તે ન તો પાછી મધ્‍ય પ્રદેશ જઈ શકે છે, ન આરોપી તેને અપનાવી રહ્યો છે.

મહિલાનો એવો પણ આરોપ છે કે આરોપી શિક્ષકે તેની જરુરી દસ્‍તાવેજ અને જૂનો મોબાઈલ પણ સાથે લઈ ગયો, જેમાં તેમના સંબંધ અને વાતચીત સાથે જોડાયેલા મહત્ત્વના પુરાવા હતા. પીડિતાનું કહેવું છે કે પોલીસ તેને ક્‍યારેક મધ્‍ય પ્રદેશ તો ક્‍યારેક હરિયાણામાં જઈને ફરિયાદ કરવાની વાત કહી રહી છે, જેનાથી તે સતત ભટકવા મજબૂર થઈ છે.

કહેવાય છે કે આરોપી શિક્ષક હરિયાણાના મહેન્‍દ્રગઢ જિલ્‍લાનો રહેવાસી છે અને હાલમાં ઝુંઝુનૂમાં તૈનાત છે. તે પહેલા મધ્‍ય પ્રદેશમાં તૈનાત હતો અને ત્‍યાંથી આ કાંડની શરુઆત થઈ હતી. હાલમાં પીડિતા ન્‍યાયની માગને લઈ સતત અધિકારીઓના ચક્કર લગાવી રહી છે

(10:06 AM IST)